Loading Please Wait !!!
અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર ટ્રાવેલર્સ લાઉન્જ શરૂ.

  • પેસેન્જરોને વાહન શોધવાની ઝંઝટમાંથી મોટી રાહત.

  • આગામી સમયમાં અન્ય સ્ટેશનો પર પણ સુવિધા.

  • સાબરમતી સ્ટેશનને ગ્રીન બિલ્ડિંગ તરીકે વિકસાવવા યોજના.

 સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશન પર આવતા-જતા મુસાફરોને સ્ટેશનથી ઘર, ઓફિસ કે અન્ય ગંતવ્ય સ્થાને પહોંચવા માટે સરળતાથી પરિવહનની સુવિધા મળી રહે તે હેતુથી ખાસ ‘ટ્રાવેલર્સ લાઉન્જ’ શરૂ કરવામાં આવ્યા છે. આ નવી સુવિધાના માધ્યમથી પેસેન્જરો સ્ટેશન પર જ ટેક્સી બુક કરી શકશે અને ઉપલબ્ધ વિકલ્પો અનુસાર બાઇક સહિતનાં અન્ય વાહનોની સેવા પણ મેળવી શકશે, જેનાથી ખાસ કરીને રાત્રિના સમયે આવતા મુસાફરો, પરિવાર સાથે મુસાફરી કરતા લોકો અને ભારે સામાન ધરાવતા પ્રવાસીઓને મોટી રાહત મળશે. આગામી સમયમાં મણિનગર, વટવા અને અસારવા રેલવે સ્ટેશન પર પણ આ સુવિધા શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

અત્યાર સુધી ટ્રેનમાંથી ઉતર્યા બાદ પેસેન્જરોએ સ્ટેશનની બહાર નીકળીને વાહનો શોધવા પડતા હતા, પરંતુ હવે ટ્રાવેલર્સ લાઉન્જ પર વાહન બુકિંગ માટે માર્ગદર્શન, સહાયતા અને વેઇટિંગ એરિય સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. પેસેન્જરો સંબંધિત કંપનીની એપ દ્વારા અથવા લાઉન્જ પર હાજર ઓન-ગ્રાઉન્ડ સહાયક પાસેથી મદદ લઈને સરળતાથી વાહન બુક કરી શકશે.

આ ઉપરાંત, સાબરમતી રેલવે સ્ટેશનને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે તેને 'આઈજીબીસી ગોલ્ડ રેટિંગ' ધરાવતી ગ્રીન બિલ્ડિંગ તરીકે વિકસાવવાની યોજના છે અને સ્ટેશન પરિસરમાં ૧,૩૦૦ કિલોવોટ ક્ષમતાનો સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવાની પણ દરખાસ્ત છે.

અજાણ્યા શહેરમાં વાહન મેળવવાની ઝંઝટ હવે બનશે ઈઝી!

અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશન પર પેસેન્જરોની સુવિધા માટે ‘ટ્રાવેલર્સ લાઉન્જ’ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાંથી મુસાફરો સ્ટેશન પર જ ટેક્સી કે બાઇક જેવી વાહન સેવાઓ સરળતાથી બુક કરી શકશે અને માર્ગદર્શન મેળવી શકશે.