Loading Please Wait !!!
રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં 9 ઝડપાયા. તનવી ગોલ્ડના જ કર્મચારીએ આપી હતી ટીપ.

  • રાજસ્થાનના ઉદયપુરમાંથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પકડ્યા.

  • પોલીસે 1.53 કરોડનો લૂંટાયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો.

  • વેપારીઓની સુરક્ષાના વિરોધમાં સોના-ચાંદી બજાર બંધ.

 સિટી ન્યુઝ @ રાજકોટ

રાજકોટ શહેરના આજી જીઆઈડીસી વિસ્તારમાં ૧૪મી ઑક્ટોબરના રોજ 'તનવી ગોલ્ડ' નામના જ્વેલર્સ પેઢીના કર્મચારીને ગોળી મારીને ૧.૫૩ કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની સનસનાટીભરી લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગંભીર કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના ઉદયપુરમાંથી મુખ્ય લૂંટારૂઓ સહિત કુલ ૯ શખસોની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. પોલીસ તપાસમાં સૌથી મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે આ લૂંટ કોઈ બહારના વ્યક્તિએ નહીં પરંતુ ખુદ 'તનવી ગોલ્ડ' ના જ એક કર્મચારીએ દાગીનાના ટ્રાન્સપોર્ટેશન અને રૂટની અંદરની માહિતી (ટીપ) પરપ્રાંતિય ગેંગને આપી હતી.

ઘટનાની વિગતો મુજબ, ૧૪મી ઑક્ટોબરની રાત્રે ૫૩ વર્ષીય કર્મચારી લાલજી સરધારા ૧.૫૩ કરોડ રૂપિયાના દાગીના ભરેલો થેલો લઈને જઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા ચાર શખસોએ તેમને આંતરીને છાતીના ભાગે ગોળી મારી દીધી હતી અને દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. સારવાર દરમિયાન લાલજીનું મોત થતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે સઘન તપાસ કરીને ઉદયપુરથી ચાર મુખ્ય સાગરીતો અને મદદગારી કરનારાઓ સહિત ૯ આરોપીઓને ઝડપી લીધા છે અને લૂંટાયેલો તમામ મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે.

બીજી તરફ, આ નિર્દયી હત્યા અને લૂંટની ઘટનાને લઈને રાજકોટના જ્વેલર્સ અને વેપારીઓમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે. વેપારીઓએ સુરક્ષાના મુદ્દે ગંભીર સવાલો ઉઠાવતા ગુરુવારે (૧૫ ઑક્ટોબર) સોના-ચાંદી બજાર અને આસપાસની ૧૫ જેટલી ફેક્ટરીઓ સંપૂર્ણપણે બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે.

  • અંદરનો માણસ જ નીકળ્યો ગદ્દાર!

રાજકોટમાં 'તનવી ગોલ્ડ'ના કર્મચારીની હત્યા કરી ૧.૫૩ કરોડના દાગીના લૂંટી લેવાના પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના ઉદયપુરમાંથી ૯ શખસોને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ લૂંટની અંદરની માહિતી ખુદ પેઢીના જ એક કર્મચારીએ આપી હતી, જેના વિરોધમાં આજે સોના-ચાંદી બજાર બંધ રાખવામાં આવ્યું છે.