વિશ્વામિત્રી નદીમાં 8 ફૂટના મગરનું કરુણ મોત: 'મેલ ફાઇટિંગ' કારણભૂત?
- ગુપ્તાંગની સારવાર બાદ સ્વસ્થ જાહેર કરાયેલા મગરનું ઈન્ટરનલ હેમરેજથી મોત, વન વિભાગની કામગીરી સામે સવાલ
- પશુ ચિકિત્સકના મતે 7-8 મગરો દર વર્ષે લડાઈમાં 'સેપ્ટિસેમિયા' થી મરે છે
- અઠવાડિયા પહેલા ગુપ્તાંગનું ઓપરેશન કરાયું હતું, અંદરખાને લોહી વહી જતા નીપજ્યું મોત
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરા શહેરની શાન ગણાતી વિશ્વામિત્રી નદીમાં વધુ એક 8 ફૂટ લાંબો મગર મૃત હાલતમાં મળી આવતાં વન વિભાગ અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જ મગરને બરાબર એક અઠવાડિયા અગાઉ ગુપ્તાંગની ગંભીર ઇજાની સારવાર આપવામાં આવી હતી. વન વિભાગ અને પશુ ચિકિત્સકોની ટીમે ઓપરેશન બાદ તેને સ્વસ્થ જાહેર કરીને નદીમાં મુક્ત કર્યો હતો, પરંતુ ગણતરીના દિવસોમાં જ તેનો મૃતદેહ મળી આવ્યો છે.
બનાવની વિગતો આપતા વડોદરા પશુ દવાખાનાના ચિકિત્સા અધિકારી ડૉ. વિમલ પટેલે જણાવ્યું હતું કે, કોઈ અજ્ઞાત ભારે દબાણના કારણે આ મગરના ગુપ્તાંગનો ભાગ શરીરની બહાર નીકળી આવ્યો હતો. ટીમે ઓપરેશન કરી તેને શરીરમાં પરત બેસાડીને ટાંકા લીધા હતા અને નિરીક્ષણ બાદ નદીમાં મુક્ત કર્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ નદીમાં ગયા બાદ ફરીથી કોઈ દબાણ કે ઈજાના કારણે ગુપ્તાંગનો ભાગ બહાર આવી ગયો હતો અને આંતરિક અંગોમાં ગંભીર હેમરેજ (ઇન્ટરનલ હેમરેજ) થવાથી અને પુષ્કળ લોહી વહી જવાને કારણે મગરનું મોત નીપજ્યું છે.
ડૉ. પટેલે એક ચોંકાવનારી વિગત પણ શેર કરતા જણાવ્યું કે દર વર્ષે જૂન મહિનાના સમયગાળા દરમિયાન મગરોના મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. વડોદરામાં વર્ષ દરમિયાન સરેરાશ 7 થી 8 મગરોના મોત થાય છે, જેની પાછળ 'મેલ ફાઇટિંગ' મુખ્યત્વે જવાબદાર હોય છે. પોતાની ટેરિટરી (વિસ્તાર) સાચવવા મગરો અંદરોઅંદર ભયંકર લડાઈ લડે છે. આ લડાઈમાં થતી ગંભીર ઇજાઓથી શરીરમાં 'સેપ્ટિસેમિયા' (ઝેર ફેલાવતો રોગ) થઈ જાય છે, જેનાથી મગરો મરી જાય છે.
કારેલીબાગમાંથી પણ મૃત મગર મળ્યો હતો વડોદરામાં મગરોના મૃત્યુની ઘટનાઓ નવી નથી. ડૉક્ટરે જણાવ્યા મુજબ આશરે 15 દિવસ પહેલાં પણ કારેલીબાગ વિસ્તારમાંથી એક 8 ફૂટનો મૃત મગર મળી આવ્યો હતો, જોકે તેની ડેડ બોડી સંપૂર્ણ ડી-કમ્પોઝ થઈ ગઈ હોવાથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. મગરો વચ્ચે ચાલતી આંતરિક લડાઈઓ વન વિભાગ માટે પણ મોટો પડકાર છે.