પાલજ પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત: કારની ટક્કરે બાઈક સવાર યુવકનો ભોગ લીધો
- ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરણજી ઠાકોરનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
- અકસ્માત સર્જી કાર ચાલક ફરાર; ચિલોડા પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી.
- પિતરાઈ ભાઈના લગ્ન વચ્ચે કરણજી ઠાકોરના મોતથી ઘરમાં આક્રંદ
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગાંધીનગર ચિલોડા હાઈવે પર પાલજ ગામના પાટીયા પાસે એક કાળજું ધ્રુજાવી દેતો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે દોડતી એક કારે બાઈક સવાર યુવકને અડફેટે લેતા રાંધેજા ગામના કરણજી બળદેવજી ઠાકોરનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. એક તરફ પરિવારમાં લગ્ન પ્રસંગની તૈયારીઓ ચાલતી હતી, ત્યારે બીજી તરફ અચાનક દીકરાના મોતની ખબર મળતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ચિલોડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, રાંધેજા ગામના ઠાકોર વાસમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા કરણજી ઠાકોર પોતાની બાઈક લઈને પાલજ પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી ફોર વ્હીલર ગાડી (નં. GJ-18BJ-3334) ના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી કરણજીની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કરણજી રોડ પર પટકાતા તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે ફરજ પરના ડોક્ટરોએ તેને ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટના સમયે મૃતકના પિતરાઈ ભાઈ દલપતજી ઠાકોર એક લગ્ન પ્રસંગમાં હાજર હતા, જેમને ફોન દ્વારા જાણ થતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ચિલોડા પોલીસે આ મામલે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ ઘણીવાર નિર્દોષ લોકોના જીવ લેતી હોય છે, ત્યારે આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા સામે પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે. હાલમાં મૃતક યુવકના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.