વિરમગામ-નળસરોવર હાઈવે પર કાળમુખી પીકઅપનો કહેર: એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત, લખતરનો પરિવાર વિખેરાયો
-
ઓવરટેક કરવાની લ્હાયમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત; ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે
-
કમીજલા અને વનથળ વચ્ચે સર્જાયું મોતનું તાંડવ- માનવતા નેવે મૂકી ચાલક વાહન સાથે ફરાર; વિરમગામ પોલીસ તપાસમાં
-
ઓવરસ્પીડ અને બેદરકારીએ વધુ એક ઘર ઉજ્જડ કર્યું; ફરાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
અમદાવાદ જિલ્લાના નળસરોવર-વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કમીજલા અને વનથળ ગામ વચ્ચે પુરપાટ ઝડપે આવી રહેલા એક પીકઅપ ચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક માસૂમ બાળકે હોસ્પિટલના બિછાણે દમ તોડ્યો હતો.
મળતી વિગતો અનુસાર, આ અકસ્માત આજે ૨૪મી એપ્રિલના રોજ સવારે અંદાજે ૮:૦૦ થી ૮:૩૦ વાગ્યાની વચ્ચે સર્જાયો હતો. મૃતકો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકના રહેવાસી હતા અને તેઓ બાઈક પર સવાર થઈને લખતરથી વિરમગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા બોલેરો પીકઅપના ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઈકને જોરદાર ઠોકર મારી હતી.
દુર્ઘટનામાં ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરના એક પુરુષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી અન્ય એક મહિલા અને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે માસૂમ બાળકે સારવાર દરમિયાન દમ તોડતા કુલ મૃત્યુઆંક ૩ પર પહોંચ્યો છે. ઈજાગ્રસ્ત મહિલા હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, જેની હાલત અત્યંત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી પીકઅપ ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. મૃતકો લખતરના હોવાની જાણ થતા જ તેમના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. એક હસતો-રમતો પરિવાર પળભરમાં વિખેરાઈ જતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફરી વળી છે.
વિરમગામ પોલીસે આ મામલે અજાણ્યા પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના પંચનામા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને ફરાર ચાલકની શોધખોળ કરવા માટે હાઈવેના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવા સહિતના ચક્રો ગતિમાન કર્યા છે. ઓવરટેક કરવાની લ્હાયમાં અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાએ હાઈવે પરની ટ્રાફિક સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.