વડોદરામાં 11મા માળેથી કૂદી પરિણીતાનો આપઘાત: અસહ્ય બીમારી સામે જિંદગીનો જંગ હારી ગઈ સંગીતાબેન!
- ગોરવા વિસ્તારના હાઈટ્સમાં અરેરાટી - 9 મહિનાથી પેટના ચાંદાની બીમારીથી પીડાતા હતા 35 વર્ષીય મહિલા
- લક્ષ્મીપુરા રોડ પર સ્વામી વિવેકાનંદ હાઈટ્સમાં ચકચાર - પરિણીતાની ગંભીર બીમારીથી કંટાળી આત્મહત્યા
- પત્નીની સેવા માટે પતિએ નોકરી પણ છોડી હતી - અંતે અસહ્ય પીડાએ સંગીતાબેનનો જીવ લીધો
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હાઈટ્સમાં શનિવારે સવારે એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. 11મા માળે રહેતી 35 વર્ષીય પરિણીતાએ પોતાની ગંભીર બીમારીથી કંટાળીને ગેલરીમાંથી મોતની છલાંગ લગાવી દીધી હતી. અસહ્ય શારીરિક પીડાને કારણે લેવાયેલા આ આત્યંતિક પગલાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.
9 મહિનાની પીડા અને જિંદગીનો અંત મળતી માહિતી મુજબ, સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1 ના 'ઈ' ટાવરમાં રહેતા સંગીતાબેન પ્રિતેશભાઈ થાપા છેલ્લા 9 મહિનાથી પેટમાં ગંભીર ચાંદાની બીમારીથી પીડાતા હતા. બીમારી એટલી હદે વકરી હતી કે સારવાર છતાં તેમને રાહત મળી રહી નહોતી. પત્નીની સેવા કરવા માટે પતિ પ્રિતેશભાઈએ પોતાની નોકરી પણ છોડી દીધી હતી અને આખો પરિવાર સંગીતાબેનને સાજા કરવા મથી રહ્યો હતો. જોકે, શારીરિક પીડા સહન ન થતા આજે સવારે સંગીતાબેને જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.
માતાની નજર હટી અને દીકરીએ છલાંગ લગાવી ઘટના સમયે સંગીતાબેનની માતા પણ ઘરે હાજર હતા. માતાએ રડતા હૈયે જણાવ્યું કે, સવારે દીકરાએ સંગીતાને તડકામાં બેસવાનું કહ્યું હતું. સંગીતા ગેલરીમાં બેસી હતી અને માતાને પોતાની તરફ જોવાનું કહ્યું હતું. માતાની નજર હટી એટલી જ ક્ષણમાં સંગીતાબેને 11મા માળેથી પડતું મૂકી દીધું હતું. ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસ શરૂ બનાવની જાણ થતા જ લક્ષ્મીપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં લાંબી બીમારીથી કંટાળીને જ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને પરિવારના અન્ય સભ્યોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે હાઈટ્સના રહીશોમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે.