Loading Please Wait !!!
જામનગરમાં નેવી અધિકારીઓની કાર પલટી: વ્હીલ છૂટું પડતા સર્જાયો અકસ્માત, એક તાલીમાર્થીનું કરુણ મોત!

  • INS વાલસુરાના ગેટ પાસે પૂરઝડપે જતી કાર રોડ નીચે ઉતરી ગઈ - બહાર ફંગોળાઈ જતાં અધિકારીએ દમ તોડ્યો
  • કારચાલક અનુવ્રત પાંડે વિરુદ્ધ પોલીસ ફરિયાદ - સીટ બેલ્ટના કારણે બે અધિકારીઓનો આબાદ બચાવ, એકે જીવ ગુમાવ્યો
  • સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કારે ખાધી પલટીઓ - માથાના ભાગે ગંભીર ઈજા થતા જી.જી. હોસ્પિટલમાં જાહેર કરાયા મૃત

જામનગરના વાલસુરા રોડ પર રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ભારતીય નૌસેના (નેવી) ના એક આશાસ્પદ તાલીમાર્થી અધિકારીએ જીવ ગુમાવ્યો છે. આઈ.એન.એસ. વાલસુરાના મેઈન ગેટથી અંદાજે એક કિલોમીટર દૂર પૂરઝડપે જઈ રહેલી કારનું વ્હીલ અચાનક રસ્તાની બહાર ઉતરી જતાં કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં પાછળની સીટ પર બેઠેલા તાલીમાર્થી અધિકારી અંશુ ગાડીમાંથી બહાર ફંગોળાઈ જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું કરુણ મોત નિપજ્યું છે.

મળતી પ્રાથમિક વિગતો મુજબ, ત્રણ નેવી તાલીમાર્થી અધિકારીઓ પુણેમાં પોતાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને મુંબઈથી ફ્લાઈટ દ્વારા જામનગર પહોંચ્યા હતા. તેઓ એરપોર્ટથી કારમાં સવાર થઈને વાલસુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ હોનારત સર્જાઈ હતી. પોલીસ ફરિયાદ અનુસાર, કારચાલક અનુવ્રત પાંડે ગાડી પૂરઝડપે ચલાવી રહ્યા હતા. અચાનક ગાડીનું એક વ્હીલ રસ્તાની બહાર ઉતરી જતાં સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટીઓ મારીને રસ્તાની બાજુએ ઉતરી ગઈ હતી.

અકસ્માત એટલો જોરદાર હતો કે પાછળ બેઠેલા અધિકારી અંશુ સીધા કારની બહાર ફેંકાયા હતા. તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, ગાડી ચલાવતા અનુવ્રત પાંડે અને બાજુમાં બેઠેલા સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુએ સીટ બેલ્ટ બાંધેલા હોવાથી તેઓને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો.

આ કરુણ ઘટનાને પગલે નેવી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તાલીમ પૂર્ણ કરીને પરત ફરેલા યુવાન અધિકારીનું આ રીતે અકાળે અવસાન થતા સાથી મિત્રો અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે. અકસ્માત બાદ સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુએ જામનગર પોલીસમાં કારચાલક અનુવ્રત પાંડે વિરુદ્ધ પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ગાડી ચલાવવા બદલ ફરિયાદ નોંધાવી છે.

જામનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે. વાલસુરા રોડ પર પૂરઝડપે દોડતા વાહનો અવારનવાર અકસ્માત નોતરે છે, ત્યારે આ ઘટનાએ ફરી એકવાર ટ્રાફિકના નિયમો અને સુરક્ષાના સાધનો જેવા કે સીટ બેલ્ટના મહત્વને ઉજાગર કર્યું છે. જો મૃતક અધિકારીએ પણ સુરક્ષાના સાધનોનો ઉપયોગ કર્યો હોત અથવા ગાડીની ઝડપ મર્યાદામાં હોત તો કદાચ આ મોટી જાનહાનિ ટાળી શકાઈ હોત.