અમરેલીમાં સિંહનો આતંક: દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધું
- ખાંભાના ચતુરી ગામે બનેલી કાળજું કંપાવનારી ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ
- મહિનામાં ત્રીજી ઘટના, વન વિભાગે એક સિંહણને પાંજરે પૂરી રેસ્ક્યૂ તેજ કર્યું
- જંગલ તરફ ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યું, એક સિંહણ પાંજરે પુરાઈ
સિટી ન્યુઝ @ અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત રાત્રે એક કાળજું કંપાવી દેનારી ઘટના બની છે, જેમાં 5 વર્ષના માસૂમ બાળક જીયાન દેવકુંભાઈ સીધાનો સિંહણે ભોગ લીધો છે. જીયાન તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો ત્યારે અંધારામાં છુપાયેલી સિંહણે અચાનક હુમલો કરી તેને ઝૂંટવી લીધો હતો. દાદા કશું સમજે તે પહેલાં જ સિંહણ બાળકને ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ હતી. ગામના યુવાનોએ હિંમત દાખવીને જંગલમાં શોધખોળ કરી બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કમનસીબે બાળકનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગીર પૂર્વના DCF વિકાસ યાદવ અને ACF કપિલ ભાટિયા સહિતનો વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તુલસીશ્યામ રેન્જ હેઠળ આવતા આ વિસ્તારમાં વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા હુમલો કરનાર એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરી દીધી છે. બીજા વન્યપ્રાણીને પકડવા માટે હાલમાં વન વિભાગ દ્વારા જંગલમાં મેગા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં સિંહ હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે.
બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા ગ્રામજનો માટે તાકીદની સૂચનાઓ જારી કરવામાં આવી છે કે અંધારામાં કે મોડી સાંજે એકલા બહાર નીકળવાનું ટાળવું. જો અનિવાર્ય સંજોગોમાં બહાર જવાનું થાય તો સાથે વ્યક્તિ, ટોર્ચ અને લાકડી રાખવી અત્યંત આવશ્યક છે. વન વિભાગના અધિકારીઓએ ખાતરી આપી છે કે વન્યપ્રાણીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોની સુરક્ષા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સતર્કતા અને સુરક્ષા
આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર જંગલ વિસ્તારની નજીક વસતા લોકોની સુરક્ષાનો મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો છે. વન્યપ્રાણીઓ અને માનવ વસ્તી વચ્ચે થતા આ સંઘર્ષોમાં માસૂમ જીવ ગુમાવવા પડે તે અત્યંત દુઃખદ છે. ગ્રામજનોએ વન વિભાગની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવું જોઈએ. વહીવટીતંત્રે પણ આવા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ વધારીને જંગલી જાનવરોના વસવાટ પર નજર રાખવી જોઈએ, જેથી ફરી કોઈ પરિવાર પોતાનું સંતાન ન ગુમાવે.