Loading Please Wait !!!
દુલ્હનના શણગારમાં ‘પીર’ નો ક્રેઝ: રાધિકા અંબાણીના લુક બાદ નવો ટ્રેન્ડ વાયરલ, માંડવા-રોપણથી ગૃહપ્રવેશ સુધી પીરનું ચલણ વધ્યું

 

  • પરંપરાગત લાલ-સફેદ ટપકાંની જગ્યાએ હવે ‘સનાતની’ પ્રતીકોનો શણગાર- શ્રી, સાથિયા અને રામ-સીતાના નામની ડિઝાઈન બની ફેવરિટ

  • માત્ર ફેરા જ નહીં, હવે દરેક વિધિમાં પીરનું મહત્વ- મેકઅપ આર્ટિસ્ટ નિકિતા પોરિયાએ જણાવ્યા પીરના લેટેસ્ટ ટ્રેન્ડ્સ

  • બંગાળી સ્ટાઈલથી લઈને સનાતની આસ્થા સુધી- આઇબ્રોના છેડે ‘રામ-સીતા’ લખાવવાનો ક્રેઝ વધ્યો; મેકઅપમાં ઍક્રિલિક કલર્સનો વપરાશ

    ગુજરાતી લગ્નોમાં શરણાઈના સૂર અને મંડપની વિધિઓની સાથે હવે દુલ્હનના શણગારમાં એક પ્રાચીન પરંપરા ફરીથી ‘સુપર હિટ’ સાબિત થઈ રહી છે. એ છે ‘પીર’ - જે દુલ્હનના કપાળ પર ભમરની ઉપર કરવામાં આવતી એક કલાત્મક ડિઝાઈન છે. હમણાં સુધી આ પરંપરા લુપ્ત થવાને આરે હતી, પરંતુ રાધિકા અંબાણીના લગ્ન પ્રસંગના લુક બાદ, હવે સામાન્ય દુલ્હનો પણ પોતાના જીવનના ખાસ દિવસે પીર કરવાનો આગ્રહ રાખતી થઈ છે.

    મેકઅપ આર્ટિસ્ટ નિકિતા પોરિયાના જણાવ્યા મુજબ, અત્યારે પીરમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. અગાઉ માત્ર લાલ અને સફેદ રંગના ટપકાં કરવામાં આવતા હતા, પરંતુ હવે દુલ્હનો સનાતની આસ્થાના પ્રતીકો જેવા કે ‘શ્રી’, સાથિયો, કમળ અથવા ‘રામ-સીતા’ લખાવવાનું વધુ પસંદ કરે છે. આ ડિઝાઈન ન માત્ર સુંદર લાગે છે, પરંતુ દુલ્હનના ચહેરા પર એક પવિત્ર અને લાવણ્યમય લુક આપે છે. માંડવા-રોપણની વિધિ હોય કે પવિત્ર ફેરા, અથવા સાસરે ગૃહપ્રવેશ - દરેક સમયે આ પીર દુલ્હનની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

    પીર કરવાની ટેકનિક વિશે નિષ્ણાતો કહે છે કે, પરસેવો કે ગરમીના કારણે ડિઝાઈન બગડે નહીં તે માટે આઈલાઈનરને બદલે ઍક્રિલિક કલર્સ વાપરવા જોઈએ. બારીક કામ માટે ટૂથપિકનો ઉપયોગ કરવાથી ડિઝાઈન વધુ સુઘડ અને આકર્ષક બને છે. પશ્ચિમ બંગાળની જેમ હવે ગુજરાતમાં પણ પીરને કાન સુધી લંબાવવાનો અથવા તો માત્ર આઈબ્રોના છેડે ત્રણ ટપકાં કરવાનો ‘મિનિમલિસ્ટ’ લુક પણ ટ્રેન્ડમાં છે. આપણી આ પ્રાચીન પરંપરાઓનો ફરીથી સ્વીકાર થવો એ સાંસ્કૃતિક વારસા માટે ગર્વની વાત છે.