Loading Please Wait !!!
માત્ર બેડરૂમમાં જ નહીં, દિવસભરનો પ્રેમ મજબૂત બનાવે છે સંબંધ:

 

  • સ્ત્રી માટે સેક્સ માનસિક સ્તરથી શરૂ થાય છે; નાની-નાની વાતોમાં દરકાર અને આદર આપશે સુખદ પરિણામ

  •  ઓક્સિટોસિન અને ટેસ્ટોસ્ટેરોન વચ્ચેનું સંતુલન જ સંબંધોમાં ઉમેરશે દૃઢતા; બદલાતી વિચારધારાએ તોડ્યા વર્ષો જૂના સ્ટીરિયોટાઇપ્સ

  •  ડૉક્ટરની ડાયરીમાંથી ચોંકાવનારો ખુલાસો- આ વિધાન સંપૂર્ણ સત્ય નથી; આજના સમયમાં બદલાઈ રહ્યા છે સામાજિક સમીકરણો

    વર્ષોથી સમાજમાં એક એવી માન્યતા ઘર કરી ગઈ છે કે સ્ત્રીઓ પ્રેમ મેળવવા માટે શારીરિક સંબંધ બાંધે છે, જ્યારે પુરુષો શારીરિક સંબંધ મેળવવા માટે પ્રેમનો દેખાવ કરે છે. જોકે, જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. મુકુલ ચોક્સીના મતે આ વાત સંપૂર્ણ સત્ય નથી. બદલાતી જીવનશૈલી અને વિચારધારાને લીધે હવે સ્ત્રી અને પુરુષ બંને માટે ભાવનાત્મક અને શારીરિક સંતોષના માપદંડો બદલાઈ રહ્યા છે.

    બાયોલોજી અને સાયકોલોજીનું જોડાણ ડૉ. ચોક્સી સમજાવે છે કે પુરુષોમાં 'ટેસ્ટોસ્ટેરોન' હૉર્મોનનું પ્રમાણ વધુ હોવાને કારણે તેમની શારીરિક જરૂરિયાત વધુ પ્રબળ હોઈ શકે છે. સામી પક્ષે, સ્ત્રીઓમાં સેક્સની ઈચ્છા 'ઓક્સિટોસિન' એટલે કે લવ હૉર્મોન અને ભાવનાત્મક સુરક્ષા સાથે વધુ જોડાયેલી હોય છે. સ્ત્રીઓ માટે શારીરિક નિકટતા એ પ્રેમનું અંતિમ ચરણ છે, જ્યારે પુરુષો તેને ઘણીવાર શારીરિક જરૂરિયાત તરીકે જુએ છે. જોકે, આ આધુનિક યુગમાં અનેક સ્ત્રીઓ શારીરિક સંતોષને પ્રાધાન્ય આપે છે અને અનેક પુરુષો ભાવનાત્મક જોડાણ વગર સંબંધ બાંધતા અચકાય છે.

    પુરુષો અને સ્ત્રીઓ માટે ખાસ સલાહ સંબંધોમાં દૃઢતા લાવવા માટે ડૉક્ટરે પુરુષોને સલાહ આપી છે કે તેમણે માત્ર બેડરૂમમાં જ નહીં, પરંતુ આખા દિવસ દરમિયાન પાર્ટનર પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરવો જોઈએ. સ્ત્રીઓ જ્યારે ઇમોશનલી સુરક્ષિત અનુભવે છે, ત્યારે જ તેઓ શારીરિક રીતે વધુ ખૂલી શકે છે. બીજી તરફ, સ્ત્રીઓએ પણ સમજવું જોઈએ કે પ્રેમ અને સેક્સ એકબીજાના પૂરક છે. સેક્સ વગરનો પ્રેમ ઘણીવાર અધૂરો લાગે છે અને પ્રેમ વગરનું સેક્સ માત્ર યાંત્રિક પ્રક્રિયા બની રહે છે. બંને પાર્ટનરે એકબીજાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપીને સંબંધોમાં સંતુલન જાળવવું જોઈએ.