Loading Please Wait !!!
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર પોલીસનો સપાટો: ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત

  • સફેદ પાઉડરની થેલીઓની આડમાં છુપાવેલી દારૂની 3,518 બોટલો ઝડપાઈ; ટ્રક ચાલક જેલભેગો
  • ચુલી ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈવે પરથી અશોક લેલન ટ્રક પકડાયો; રાજસ્થાનના ચાલકની ધરપકડ.
  • એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત કાર્યવાહી; ₹20 લાખનો ટ્રક પણ જપ્ત કરાયો.

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચના અને એલ.સી.બી. પી.આઈ. જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબીશનની બદી નાબૂદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત ટીમો દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પરથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચુલી ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક અશોક લેલન ટ્રક (નંબર RJ36GA9678) ને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ભરેલી સફેદ પાઉડરની 200 થેલીઓની પાછળથી છુપાવેલો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹10,10,240 ની કિંમતની 3,518 દારૂની બોટલો અને ચપલા કબજે કર્યા છે.

પોલીસે આ કેસમાં ટ્રક ચાલક પુષ્યેન્દરસિંઘ રૂપસિંઘ રાવત (રહે. રાજસ્થાન) ની ધરપકડ કરી છે. આ સાથે ₹20,00,000 ની કિંમતનો ટ્રક, મોબાઈલ ફોન અને પાઉડરની થેલીઓ મળી કુલ ₹30,34,240 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ટ્રક માલિક અને માલ મોકલનાર ડેની (રહે. રાજસ્થાન) સહિત અન્ય આરોપીઓની સંડોવણી પણ બહાર આવી છે, જેમને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ સમગ્ર પ્રકરણમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સતર્કતાને કારણે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવેલી નવી મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. પાઉડરની થેલીઓની આડમાં દારૂ ઘુસાડવાનો આ કીમિયો પોલીસની બાજ નજર સામે નિષ્ફળ સાબિત થયો છે.

આ કામગીરીમાં એલ.સી.બી. ના પી.આઈ. જે.જે. જાડેજા, પી.એસ.આઈ. જે.વાય. પઠાણ, એન.એ. રાયમા તથા સ્ટાફના અસલમખન મલેક, પ્રતાપસિંહ રાઠોડ અને ગીરીરાજસિંહ જાડેજા સહિતના જવાનો જોડાયા હતા. જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ હાઈવે પર સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ જારી રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.