Loading Please Wait !!!
"વડોદરામાં કેમિકલ માફિયાઓનો આતંક: રાણીયા ગામની સીમમાં રાત્રે ઠાલવ્યું ઝેરી કેમિકલ, તીવ્ર દુર્ગંધથી ગ્રામજનોના શ્વાસ રૂંધાયા"

  • સાંકરદા-ભાદરવા રોડ પર ખેતરમાં કાળું કેમિકલ ઠાલવી શખ્સો ફરાર - જીપીસીબી (GPCB) ની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા સવાલ.
  • કાળા રંગના કેમિકલની દુર્ગંધ આખા વિસ્તારમાં ફેલાઈ - સ્થાનિકોમાં ભારે રોષ, તંત્ર પાસે કડક તપાસની માંગ.
  • ખેતરોમાં કેમિકલ ઠાલવી પર્યાવરણને નુકસાન - રાણીયા ગામના લોકોનો આક્રોશ, વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા-ભાદરવા રોડ પર કેમિકલ માફિયાઓ ફરી એકવાર સક્રિય થયા છે. રાણીયા ગામની સીમમાં આવેલા એક ખેતરને નિશાન બનાવી અજાણ્યા શખ્સોએ મધરાતે કાળા રંગનું ઝેરી કેમિકલ ઠાલવી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ કેમિકલની તીવ્ર દુર્ગંધને કારણે આસપાસ રહેતા લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા.

રાત્રિના અંધકારમાં 'ઝેર'નો વ્યવપાર પ્રાપ્ત માહિતી અનુસાર, 24 માર્ચની મોડી રાત્રે કેટલાક અજાણ્યા વાહનો રાણીયા ગામની સીમમાં પ્રવેશ્યા હતા. અંધારાનો લાભ લઈ આ શખ્સોએ ખેતરમાં હજારો લિટર ઝેરી કેમિકલ ઠાલવી દીધું હતું. સવારે જ્યારે ગ્રામજનો ઉઠ્યા ત્યારે આખા વિસ્તારમાં વિચિત્ર અને તીવ્ર વાસ ફેલાયેલી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે ખેતરના મોટા હિસ્સામાં કાળું ચીકણું કેમિકલ ફેલાયેલું છે.

તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, સાવલી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતા કેમિકલ કચરાને નિકાલ કરવા માટે માફિયાઓ અવારનવાર આવી અવાવરુ જગ્યાઓ પસંદ કરે છે. પર્યાવરણ સુરક્ષા માટે કામ કરતી સંસ્થા GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) આ મામલે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કેમિકલના કારણે જમીનની ફળદ્રુપતા તો નાશ પામે જ છે, પરંતુ ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થવાની ભીતિ છે.

આરોગ્ય સામે મોટું જોખમ ઝેરી કેમિકલના સંપર્ક કે તેની વાસથી આંખોમાં બળતરા, માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગ્રામજનોએ માંગ કરી છે કે પોલીસ આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરે અને જે પણ કંપની કે વાહન માલિક આમાં સંડોવાયેલા હોય તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.