Loading Please Wait !!!
મન શાંત રાખતી સ્ફટિક માળા પહેરવાના જ્યોતિષીય નિયમો અને ફાયદા

 

  • પંચામૃત અને ગંગાજળથી શુદ્ધ કર્યા પછી જ માળા ધારણ કરવી

  • શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સ્ફટિક

  • સૂતી વખતે માળા ઉતારીને સ્વચ્છ કે પૂજા સ્થાન પર મૂકવી અનિવાર્ય

સિટી ન્યુઝ @ ધર્મ-જ્યોતિષ

મન શાંત રાખતી અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરતી સ્ફટિક માળા (ક્રિસ્ટલ ક્વાર્ટઝ) પહેરવાના શાસ્ત્રોમાં અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે, પરંતુ તેના સંપૂર્ણ ફળ મેળવવા માટે જ્યોતિષીય નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. શુદ્ધિકરણ વગર સ્ફટિક માળા પહેરવાથી તેના પૂર્ણ લાભ મળતા નથી. જ્યોતિષશાસ્ત્ર મુજબ સ્ફટિક સીધો શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે, તેથી તેને ધારણ કરવાથી સંપત્તિ, ખ્યાતિ, આકર્ષણ, માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિમાં વધારો થાય છે તેમજ દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

સ્ફટિક માળા ધારણ કરવાની સાચી રીતમાં સૌપ્રથમ તેને પંચામૃત (ગંગાજળ, કાચું દૂધ, દહીં, મધ અને ઘી) તથા શુદ્ધ ગંગાજળથી સ્નાન કરાવીને પવિત્ર કરવામાં આવે છે. ત્યારબાદ તેને ધૂપ-દીપ પ્રગટાવીને દેવી લક્ષ્મી સમક્ષ મૂકવામાં આવે છે અને ‘ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नमः’ અથવા ‘ॐ शुं शुक्राय नमः’ મંત્રનો 108 વાર જાપ કરીને અભિષેક કરાય છે. શુક્રવારનો દિવસ તેને પહેરવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સવારે સ્નાન કર્યા બાદ સૂર્યોદય સમયે જ તેને ધારણ કરવી જોઈએ.

ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો

સૂતી વખતે અથવા અશુદ્ધ અવસ્થા તેમજ સૂતક સમયગાળા દરમિયાન સ્ફટિક માળા પહેરવાનું ટાળવું જોઈએ અને તેને હંમેશા પૂજા સ્થાન પર સ્વચ્છ જગ્યાએ મૂકવી. તેમજ પોતાની પહેરેલી માળા ક્યારેય બીજાને ન આપવી અને ન તો બીજાની માળા પોતે પહેરવી, અન્યથા તેનો પ્રભાવ ઓછો થઈ શકે છે.