Loading Please Wait !!!
બોલિવૂડના 'દિગ્ગજો' પર ભડકી તનુશ્રી દત્તા: "મને બલિનો બકરો બનાવી કારકિર્દી બરબાદ કરી"

 

  • સોશિયલ મીડિયા પોસ્ટમાં તનુશ્રીએ વરિષ્ઠ કલાકારોના અસલી ચહેરા ખુલ્લા પાડ્યા

  • વર્ષો પહેલાં એક સીનિયર એક્ટરે ચમકતી કરિયર ખતમ કરી નાખ્યાનો ગંભીર આક્ષેપ

  • મીડિયા અને જનતાને ભ્રમિત કરી પોતાના ગુનાઓ છુપાવતા હોવાનો આરોપ મૂક્યો

સિટી ન્યુઝ @ મુંબઈ

બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા ભલે લાંબા સમયથી મોટા પડદા અને ફિલ્મોથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના ખુલ્લા વિચારો અને બોલ્ડ નિવેદનોના કારણે તે અવારનવાર ચર્ચાના કેન્દ્રમાં રહે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિગતવાર અને ભાવુક પોસ્ટ શેર કરીને તનુશ્રીએ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વરિષ્ઠ અને કહેવાતા 'દિગ્ગજ' કલાકારો પર અત્યંત આકરા પ્રહારો કર્યા છે. તેણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે બોલિવૂડમાં 'વેટરન' નો અર્થ માત્ર ઉંમરમાં મોટો વ્યક્તિ નથી, પરંતુ તે સિસ્ટમની તમામ ચાલાકીઓ અને શાતિર દાવપેચ શીખી ગયેલો કુશળ ખેલાડી છે.

પોતાના ભૂતકાળના કડવા અનુભવોને વાગોળતાં તનુશ્રી દત્તાએ જણાવ્યું હતું કે વર્ષો પહેલાં એક વરિષ્ઠ કલાકારે ષડયંત્ર રચીને તેની ચમકતી ફિલ્મ કારકિર્દીને સંપૂર્ણપણે બરબાદ કરી નાખી હતી. તેણે વ્યથા ઠાલવતાં ઉમેર્યું કે, તેને લાગતું હતું કે તે એક વડીલ કલાકાર છે જેથી તેમને માન-સન્માન આપવું જોઈએ, પરંતુ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને તેને માત્ર એક બલિનો બકરો બનાવવામાં આવી હતી. તેણે વરિષ્ઠ કલાકારો પર એવો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેઓ મીડિયા અને સામાન્ય નાગરિકોની સામે સારો દેખાવ કરીને પોતાના સાચા ચરિત્ર અને ગુનાઓને છુપાવવા માટે સતત ભ્રમિત કરતા રહે છે.

યુવા પેઢી અને નવા કલાકારોને ચેતવણી આપતાં તનુશ્રીએ જણાવ્યું કે માત્ર કોઈ વ્યક્તિની ઉંમર કે તેના અનુભવને જોઈને તેના પર ક્યારેય આંધળો વિશ્વાસ મૂકવાની ભૂલ ન કરવી જોઈએ. કેટલીક નકારાત્મક માનસિકતા ધરાવતા વડીલો યુવાનોની પ્રતિભા અને સફળતા જોઈને ઈર્ષ્યાથી બળતરા અનુભવે છે અને તેમનું ભવિષ્ય રોળવા માટે કોઈપણ હદ સુધી નીચે પડી શકે છે.

પોતાની પોસ્ટના અંતમાં તનુશ્રીએ જણાવ્યું હતું કે તેણે પોતાના જીવનના આ સંઘર્ષમાંથી એક કાયમી પાઠ શીખી લીધો છે કે રાક્ષસો પણ વડીલ હોઈ શકે છે. તેથી હવે તે કોઈપણ વ્યક્તિને તેની વય કે પદવીના આધારે નહીં, પરંતુ તેના વાસ્તવિક ચરિત્ર, વર્તન અને સદગુણોના આધારે જ સન્માન આપે છે.

બોલિવૂડના દિગ્ગજો પર તનુશ્રી દત્તાના પ્રહાર

અભિનેત્રી તનુશ્રી દત્તાએ સોશિયલ મીડિયા પર વરિષ્ઠ કલાકારો સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે એક વરિષ્ઠ કલાકારે તેને બલિનો બકરો બનાવી તેની ફિલ્મ કરિયર ખતમ કરી નાખી હતી. દિગ્ગજ એટલે માત્ર ઉંમરથી મોટા નહીં પણ શાતિર ખેલાડી હોય છે. તેણે યુવાનોને ઉંમર નહીં પણ ચરિત્ર જોઈને સન્માન આપવાની સલાહ આપી છે.