સુરેન્દ્રનગરમાં મસમોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ₹31.30 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝબ્બે
-
એલ.સી.બી. એ ગણતરીના દિવસોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ કબજે કરી, રીઢા ગુનેગારો જેલ ભેગા
-
નિર્લિપ્ત રાય અને પ્રેમસુખ ડેલૂની સૂચનાથી LCB ટીમે દુધરેજ કેનાલ પાસેથી ખેલ્યો દાવ
- 31 લાખની મત્તા સાથે સુરેન્દ્રનગરના બે તસ્કર પકડાયા: ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપીઓ
સુરેન્દ્રનગર | સિટી ન્યૂઝ : સુરેન્દ્રનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંબિકા પાર્ક પાસેના રહેણાંક મકાનમાં થયેલી મસમોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સ્થાનિક ગુના શોધક શાખા (LCB) ને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ રૂ. 31,30,599 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. આ કામગીરી રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલૂની કડક સૂચના બાદ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની વિગતો મુજબ, સુરેન્દ્રનગર ટાઉનમાં પી.એન.ટી. ક્વાટર્સ નજીક આવેલા અંબિકા પાર્ક વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મોટી ચોરી આચરી હતી. આ વણઉકેલાયેલા ગુનાને શોધી કાઢવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન પો.હેડ કોન્સ. અજયવીરસિંહ ઝાલા, અશ્વિનભાઈ માથુકિયા અને ચંદ્રવિજયસિંહ રાણાને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી ચોક્કસ માહિતી મળી હતી.
મળેલી બાતમીના આધારે પોલીસે દુધરેજ કેનાલ પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા (1) રવિભાઈ હકાભાઈ પાટડીયા અને (2) સતિષભાઈ ઉર્ફે ભોલો બટુકભાઈ વ્યાસને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ અને તપાસ દરમિયાન તિજોરીમાંથી ચોરેલા સોના-ચાંદીના કિંમતી ઘરેણાં અને રોકડ રકમ મળી આવતા પોલીસે કુલ રૂ. 31.30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓ પૈકી રવિભાઈ પાટડીયાનો ગુનાહિત ઇતિહાસ અત્યંત લાંબો છે. તે અગાઉ મોરબી, ચોટીલા, લીંબડી, ગોંડલ અને જોરાવરનગર સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. જ્યારે બીજો આરોપી સતિષ ઉર્ફે ભોલો પણ સુરેન્દ્રનગર સિટી 'એ' ડિવિઝનમાં અગાઉ ત્રણ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના પી.આઈ. જે.જે. જાડેજા, પી.એસ.આઈ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.એ. રાયમા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. મિલકત વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીઓ પકડાતા સુરેન્દ્રનગરના શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કોઈ સ્થળે ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ.