મોટા વરાછાની જનતાનો હુંકાર: "ઓયો જેવી હોટલોના દૂષણો બંધ કરો", શિક્ષણ અને સુરક્ષા મુદ્દે નેતાઓને ઘેર્યા!
- વોર્ડ નં. 2 માં સુવિધાઓના નામે મીંડું - ડ્રેનેજ, ટ્રાફિક અને વારંવારના ખોદકામથી લોકો ત્રાહિમામ
- વરાછામાં અદ્યતન એસ.ટી. ડેપો અને પોલીસ સ્ટેશન માટે કાયમી જગ્યાની માંગ - ચૂંટણી પૂર્વે જનતાનો આકરો મિજાજ.
- રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કાગળ પર અને ખાડા રસ્તા પર - કોર્પોરેટરોના પક્ષપલટાથી વિકાસ રૂંધાયો હોવાનો આક્ષેપ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ૨ (અમરોલી, મોટા વરાછા, ઉત્રાણ) ના રહીશોએ નેતાઓ સામે અપેક્ષાઓનું લાંબુ લિસ્ટ તૈયાર કર્યું છે. આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓની સાથે સામાજિક અને શૈક્ષણિક પ્રશ્નોએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિકોનું માનવું છે કે માત્ર વિકાસની વાતો કરવાને બદલે પાયાના પ્રશ્નો ઉકેલે તેવા લોકપ્રતિનિધિની આજે જરૂર છે.
સામાજિક દૂષણો અને સુરક્ષાનો પ્રશ્ન સામાજિક અગ્રણી વિજય માંગુકિયાએ હોટલોમાં ચાલતા દૂષણો સામે લાલ આંખ કરતા જણાવ્યું હતું કે, મોટા વરાછામાં આઈટી સેક્ટરના વિકાસ સાથે કોમર્શિયલ બિલ્ડિંગો વધ્યા છે, પરંતુ તેના ટોપ ફ્લોર પર ચાલતી ઓયો હોટલો મહિલાઓ અને યુવા પેઢી માટે જોખમરૂપ બની રહી છે. પોલીસની 'પ્રતીક્ષા' એપનું પાલન થતું નથી અને હોટલ સંચાલકો રજીસ્ટ્રેશન વગર કામ કરી રહ્યા છે. બીજી તરફ, પોલીસ સ્ટેશન ભાડાની જગ્યામાં અથવા અંદરના ભાગમાં હોવાથી નાગરિકોને મુશ્કેલી પડે છે.
શિક્ષણની ગંભીર બેદરકારી શિક્ષણના ક્ષેત્રે વોર્ડ નંબર ૨ ની સ્થિતિ દયનીય છે. વિપુલ દેસાઈના જણાવ્યા મુજબ, મોટા વરાછાની સરકારી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ૧ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે. ૩-૩ વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે મધ્યમ વર્ગના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. આ ઉપરાંત, વરાછા B ઝોનમાં એક વિશાળ પુસ્તકાલયની માંગ પણ પ્રબળ બની છે.
ટ્રાફિક અને રસ્તાના કામમાં અણઘડ આયોજન ટ્રાફિકની સમસ્યા અંગે રોનક ઘેલાણીએ જણાવ્યું કે, વરાછાથી સૌરાષ્ટ્ર તરફ રોજની ૨૦૦ બસો જાય છે, પરંતુ એક પણ એસ.ટી. ડેપો ન હોવાથી રોડ પર અરાજકતા સર્જાય છે. ઉત્રાણ પાવર હાઉસ પાસેનો સાંકડો રસ્તો અને અબ્રામાનો જોખમી વળાંક, જ્યાં અગાઉ ૧૦ લોકોના મોત થયા છે, તે હજુ પણ સુધારવામાં આવ્યો નથી. રોડ બન્યા બાદ તરત જ થતા ખોદકામ અને ડ્રેનેજની નિષ્ફળતાને કારણે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.
પક્ષપલટાથી જનતામાં નારાજગી સ્થાનિકોમાં કોર્પોરેટરોના પક્ષપલટા સામે ભારે રોષ છે. જયેશભાઈ દેસાઈએ કહ્યું કે, જનતા જે પક્ષને જીતાડે છે તેના ઉમેદવારો પક્ષપલટો કરી લે છે, જેનાથી વિકાસના કામો અટકી જાય છે. કચરાના ઢગલા, બગીચાઓમાં સાફ-સફાઈનો અભાવ અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં થઈ રહેલો વિલંબ લોકોમાં આક્રોશ જગાવી રહ્યો છે. આ વખતે મોટા વરાછાની જાગૃત જનતા પક્ષને બદલે 'કામ' ના આધારે વોટ આપવા મક્કમ દેખાઈ રહી છે.