Loading Please Wait !!!
સુરતમાં 'મોતનું કારખાનું': લિંબાયતમાં રહેણાંક મકાનમાં જ્વલનશીલ કેમિકલ ફાટતા ભીષણ આગ, એક જ પરિવારના 5 સભ્યોના કરૂણ મોત!

  • સાડીઓના કામ માટે રખાયેલા કેમિકલમાં પ્રચંડ બ્લાસ્ટ - બે લોકો ઘટનાસ્થળે જ ભડથું થયા, સ્મીમેર હોસ્પિટલમાં 3 અન્યના શ્વાસ થંભ્યા
  • બ્લાસ્ટ સાથે ફાટી નીકળેલી આગે પળવારમાં બધું જ સ્વાહા કર્યું - ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ કાબૂમાં, વિસ્તારમાં માતમ.
  • "બચાવો-બચાવો"ની બૂમો વચ્ચે આગની જ્વાળાઓ આકાશને આંબી ગઈ - તંત્ર દ્વારા તપાસના આદેશ, કસૂરવારો સામે થશે કડક કાર્યવાહી?

    સુરતના લિંબાયત વિસ્તારમાં આજે મંગળવારે એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. મીઠી ખાડી પાસે આવેલા એક ઘરમાં સાડીઓ પર કામ કરવા માટે રાખવામાં આવેલા કેમિકલમાં પ્રચંડ ધડાકો થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ઘરના 5 સભ્યોના કરૂણ મોત નીપજતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

ગેરકાયદે કેમિકલનો જથ્થો કાળ બન્યો? પ્રાથમિક તપાસ મુજબ, આ રહેણાંક મકાનમાં સાડીઓનું કામ ચાલતું હતું, જેના માટે મોટા જથ્થામાં જ્વલનશીલ કેમિકલ રાખવામાં આવ્યું હતું. મધરાત કે વહેલી સવારે કોઈ કારણોસર આ કેમિકલમાં બ્લાસ્ટ થયો અને જોતજોતામાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે ઘરમાં હાજર લોકોને બહાર નીકળવાની તક પણ ન મળી. બે લોકો તો ઘરની અંદર જ ભડથું થઈ ગયા હતા, જ્યારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તબીબો તેમને બચાવી શક્યા નહોતા.

સ્વજનોનો કરુણ આક્રંદ ઘટના બાદ સ્મીમેર હોસ્પિટલ અને લિંબાયત વિસ્તારમાં મૃતકોના સ્વજનોના રડવાના અવાજથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે રહેણાંક વિસ્તારોમાં આવા જોખમી કેમિકલના જથ્થા રાખવા સામે તંત્ર કેમ કડક નથી બનતું? ફાયર વિભાગે અત્યારે આગને સંપૂર્ણ કાબૂમાં લઈ લીધી છે, પરંતુ આ દુર્ઘટનાએ ફરી એકવાર ઘરગથ્થુ ઉદ્યોગોમાં સુરક્ષાના અભાવ સામે મોટા સવાલો ઉભા કર્યા છે.