કાલે રાજકોટમાં NEETની પરીક્ષા CISF સુરક્ષા સાથે કડક બંદોબસ્ત
રવિવારે શહેરમાં 5330 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે
-
પેપર લીક પછી તંત્ર સજાગ ટાઈટ સિક્યુરિટી ગોઠવાઈ
-
રાજકોટમાં હાઈ એલર્ટ; હવાઈ માર્ગે પેપર આપ્યુ, બાયોમેટ્રિક મેટલ ચેકિંગ
સિટી ન્યૂઝ@રાજકોટ
ધોરણ ૧૨ સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET ની પરીક્ષા ૨૧ જૂનના લેવાનાર છે. જેમાં ૧૨ પરીક્ષા કેન્દ્રો પરથી ૫૩૩૦ વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે. ૩ મે ના લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થતા હવે ફરી વખત આ પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડિજિટલ લોકમાં એરફોર્સના જવાનો મારફત હવાઈ માર્ગે પેપર લાવવામાં આવશે. આ સાથે જ CISF ના જવાનો અને સ્થાનિક પોલીસની મદદથી પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્રો મોકલવામાં આવનાર છે. આ સાથે જ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ડીપી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજિલન્સ ટીમ તૈનાત રહેશે. રાજકોટના એડિશનલ કલેક્ટર જે.એચ.બારોટે જણાવ્યું હતું કે, રાજકોટમાં NEET ની
પરીક્ષાને લઈને બે દિવસ પહેલા કલેકટર ડૉ.ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં દરેક વિભાગો સાથે બેઠક થઈ હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં ૧૨ કેન્દ્રો પરથી ધોરણ ૧૨ સાયન્સના ૫૩૩૦ વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET ની પરીક્ષા આપવાના છે. જેમાં પેપરોના પરિવહનની જવાબદારી પ્રથમ વખત CISF ના જવાનોને સોંપવામાં આવી છે. તેમની સાથે
સ્થાનિક પોલીસ પણ રહેશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓને વિજિલન્સ ટીમ તરીકે મુકવામાં આવશે. આ સાથે જ એસટી વિભાગને પણ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓની અવરજવર મુજબના રૂટની ગોઠવણી કરે. આ ઉપરાંત પીજીવીસીએલ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે જેથી પરીક્ષા દરમિયાન વીજ કાપ ન મુકાય. આ સાથે
જ વિદ્યાર્થીઓ માટે આજે ૨૦ જૂને ઓખાથી ગાંધીનગર અને ૨૧ જૂને ગાંધીનગરથી ઓખા સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. બપોરે ૨ થી ૫.૧૫ વાગ્યા દરમિયાનની પરીક્ષા માટે બપોરે ૧૧ થી ૧.૩૦ વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવશે. મેટલ ડિટેકટરથી કડક ચેકિંગની સાથે બાયોમેટ્રિક બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી આપવામાં આવશે.