Loading Please Wait !!!
"સુરતના કાપડ ઉદ્યોગ પર 'યુદ્ધ'નું ગ્રહણ: 3 લાખ કારીગરો વતન રવાના, હવે વેકેશન જાહેર કરવાની હિલચાલ"

  • એસોસિએશને ગૂગલ ફોર્મ દ્વારા વિવર્સના મંતવ્યો મંગાવ્યા - એક પાળીમાં કામ કરવું કે 2 દિવસ રજા રાખવી તેની ચર્ચા
  • દુબઈ એક્સપોર્ટ ઠપ્પ થતા વિવર્સની હાલત કફોડી - મોંઘવારી અને ગેસની અછતથી કારીગરો શહેર છોડવા મજબૂર
  • યાર્નના ભાવમાં કૃત્રિમ વધારો અને પલાયન રોકવા એસોસિએશનનું મંથન - શ્રમિકો માટે 'મેગા કિચન' શરૂ કરાશે

વિશ્વના ટેક્સટાઈલ હબ ગણાતા સુરતના કાપડ ઉદ્યોગ પર અત્યારે કાળા વાદળો છવાયા છે. મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર સુરતના વિવર્સ પર પડી રહી છે. કાચા માલ તરીકે વપરાતા યાર્નના ભાવ આસમાને પહોંચ્યા છે અને બીજી તરફ દુબઈ સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં એક્સપોર્ટ ઠપ્પ થઈ ગયું છે. આ સ્થિતિમાં ઉદ્યોગને ટકાવી રાખવા માટે હવે કારખાનાઓમાં મોટો ઉત્પાદન કાપ મૂકવો કે એક મહિનાનું વેકેશન જાહેર કરવું તે અંગે ગંભીર મંથન શરૂ થયું છે.

ફેડરેશન ઓફ વ્યુઅર્સ એસોસિએશન દ્વારા તમામ વિવર્સ પાસેથી ગૂગલ ફોર્મ દ્વારા મંતવ્યો મંગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2000 થી વધુ વિવર્સે પોતાનો પ્રતિસાદ આપ્યો છે. જેમાં મુખ્યત્વે ત્રણ વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે: કારખાના એક જ પાળીમાં ચલાવવા, અઠવાડિયામાં બે દિવસ રજા રાખવી અથવા તો ઉત્પાદનમાં 25% થી 75% સુધીનો ઘટાડો કરવો. જો બહુમતી સભ્યો સંમત થશે તો આગામી દિવસોમાં સુરતના કાપડ ઉદ્યોગમાં સત્તાવાર રીતે કામકાજમાં કાપ મુકાશે.

ઉદ્યોગ માટે સૌથી ચિંતાજનક બાબત કારીગરોનું પલાયન છે. સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 15 લાખ શ્રમિકોમાંથી અંદાજે 15 ટકા એટલે કે 3 લાખ જેટલા કારીગરો અત્યાર સુધીમાં વતન રવાના થઈ ચૂક્યા છે. કારીગરોના પલાયન પાછળ માત્ર કામનો અભાવ જ નહીં, પણ રસોઈ ગેસની ઉભી થયેલી કૃત્રિમ અછત અને તેના કાળાબજાર પણ જવાબદાર છે. છૂટક ગેસ ભરાવીને રહેતા શ્રમિકો માટે સુરતમાં ટકવું હવે મોંઘું સાબિત થઈ રહ્યું છે.

શ્રમિકોને રોકી રાખવા માટે વિવર્સ એસોસિએશન દ્વારા કારખાનેદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કારીગરો માટે જમવાની વ્યવસ્થા (મેસ) શરૂ કરે. પાંડેસરા વિસ્તારમાં શ્રમિકો માટે 'મેગા કિચન' પણ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં માત્ર 50 રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવે છે. એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાળાના જણાવ્યા મુજબ, જો કારીગરો એકવાર મોટી સંખ્યામાં જતા રહેશે તો ભવિષ્યમાં જ્યારે ઉદ્યોગ ફરી વેગ પકડશે ત્યારે મશીનો ચલાવવા માટે માણસોની ભારે અછત સર્જાશે. અત્યારે સુરતના ઉદાર કારખાનેદારો ઓર્ડર ન હોવા છતાં પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને કારીગરોને સાચવી રહ્યા છે, પરંતુ યુદ્ધ લાંબુ ખેંચાય તો આ સ્થિતિ જાળવી રાખવી મુશ્કેલ બનશે.