Loading Please Wait !!!
સુરતમાં ભક્તિનો 'મહા રેકોર્ડ': અટલ આશ્રમમાં હનુમાન દાદાને 7000 કિલોનો લાડુ અર્પણ, 50 રસોઈયાએ 48 કલાક કરી મહેનત!

12 ફૂટના રાઉન્ડમાં 6 ફૂટ ઊંચો 'હનુમાન લાડુ' આકર્ષણનું કેન્દ્ર - 3000 કિલો ખાંડ અને 100 ડબ્બા ઘીનો કરાયો ઉપયોગ

બટુકગીરી મહારાજની દેખરેખ હેઠળ તૈયાર થયો મહાપ્રસાદ - 2004 થી શરૂ થયેલી પરંપરાએ 2026 માં સ્થાપ્યો નવો કીર્તિમાન

2000 કિલો ચણાની દાળ અને 300 કિલો ડ્રાયફ્રૂટ્સનું મિશ્રણ - લોખંડની ખાસ ફ્રેમમાં તૈયાર કરાયો વિશાળ લાડુ

ડાયમંડ સિટી સુરત આજે માત્ર હીરા માટે નહીં, પણ હનુમાન દાદા પ્રત્યેની અતૂટ ભક્તિ માટે પણ જાણીતું બન્યું છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતી નિમિત્તે દાદાને 7000 કિલોનો 'મહા લાડુ' અર્પણ કરવામાં આવ્યો છે. સુરતના ઇતિહાસમાં આટલો વિશાળ લાડુ પ્રથમવાર તૈયાર કરવામાં આવ્યો છે, જેને જોવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું હતું.

2004 થી 2026: ભક્તિનો ગ્રાફ વધતો રહ્યો આશ્રમના બટુકગીરી મહારાજે માહિતી આપી હતી કે, આ લાડુ બનાવવાની પરંપરા વર્ષ 2004માં નાના પાયે શરૂ થઈ હતી. દર વર્ષે લાડુનું વજન વધારતા વધારતા આજે 2026માં તે 7000 કિલો સુધી પહોંચી ગયું છે. 30 માર્ચની સવારથી શરૂ થયેલી કામગીરી 1 એપ્રિલની મધ્યરાત્રિએ પૂર્ણ થઈ હતી. આ વિશાળ લાડુને આકાર આપવા માટે ખાસ લોખંડની ફ્રેમ બનાવવી પડી હતી.

પ્રસાદમાં શુદ્ધતા અને સેવા આ લાડુ માત્ર કદમાં જ મોટો નથી, પણ તેમાં વપરાયેલી સામગ્રી પણ શુદ્ધ રાખવામાં આવી છે. 100 ડબ્બા શુદ્ધ ઘી અને તેલ સાથે 300 કિલો જેટલો સૂકો મેવો નાખીને પૌષ્ટિક મહાપ્રસાદ તૈયાર કરાયો છે. આશ્રમની ઈચ્છા છે કે સુરતનો એક પણ ભક્ત આ પ્રસાદથી વંચિત ન રહે, તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રસાદ વિતરણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. સાળંગપુરની જેમ સુરતના આ ઉત્સવે પણ ભક્તોમાં એક નવી ઉર્જા ભરી દીધી છે.