3 વર્ષથી ગુમ કિશોરની હત્યાની મિત્રએ કરી હતી કબૂલાત - હવે સત્ય જાણવા લાઈ ડિટેક્શન અને નાર્કો ટેસ્ટની તૈયારી.
- પુણા વિસ્તારમાં 2 મહિના સુધી ચાલ્યું ખોદકામ - જી.પી.આર. રડાર પણ હાડપિંજર શોધવામાં નિષ્ફળ
- દિવ્યાંશુ, કુંદન અને મોનુ સામે અપહરણનો ગુનો નોંધાયો - મિત્રો વચ્ચેના ઝઘડામાં રચાયો હતો આખો કારસો?
- વિવેક ઉર્ફે ગબ્બરની હત્યા થઈ કે તે જીવતો છે? - પોલીસ હવે આરોપીઓના મગજની તપાસ કરશે
સુરત: સુરતના પુણા વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ ગુમ થયેલા એક કિશોરની હત્યાના મામલે સુરત પોલીસ છેલ્લા બે મહિનાથી ભારે જહેમત ઉઠાવી રહી છે, પરંતુ હજુ સુધી પોલીસના હાથે માત્ર હતાશા જ લાગી છે. 17 વર્ષીય વિવેક ઉર્ફે ગબ્બરની હત્યા તેના જ ત્રણ મિત્રોએ મળીને કરી હોવાની કબૂલાત બાદ પોલીસે અંદાજે 5000 સ્ક્વેર ફૂટનું ગ્રાઉન્ડ અને 45 ફૂટ ઊંડો કૂવો ખોદી નાખ્યો હતો. જોકે, આટલા મોટા પાયે ખોદકામ કરવા છતાં મૃતદેહનો એક ટુકડો પણ ન મળતા હવે પોલીસ 'લાઈ ડિટેક્શન ટેસ્ટ' નો આશરો લેવા જઈ રહી છે.
આ કેસની ચોંકાવનારી વિગત મુજબ, મૂળ ઉત્તર પ્રદેશનો અને સુરતમાં રહેતો વિવેક ઉર્ફે ગબ્બર 22 મે, 2023ના રોજ ઘરેથી રહસ્યમય રીતે ગુમ થયો હતો. પરિવારજનો તેને શોધીને થાક્યા બાદ ભૂલી પણ ગયા હતા. પરંતુ ગત 25 જાન્યુઆરી, 2026ના રોજ વિવેકના મિત્ર દિવ્યાંશુએ તેના ભાઈ અનીલનો સંપર્ક કર્યો અને વિસ્ફોટક દાવો કર્યો કે, તેણે કુંદન ઝા અને મોનુ ઠાકુર સાથે મળીને વિવેકની હત્યા કરી છે અને લાશને રંગઅવધૂત સોસાયટી પાસેના પ્લોટમાં દાટી દીધી છે. દિવ્યાંશુએ એમ પણ કહ્યું હતું કે હત્યા બાદ માથું કાપીને બાજુના કૂવામાં ફેંકી દેવાયું હતું.
પુણા પોલીસે આ કબૂલાતને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી. પોલીસે અત્યાધુનિક જી.પી.આર. (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર) ટેકનોલોજીનો ઉપયોગ કર્યો જે જમીનમાં દટાયેલા હાડપિંજર શોધી શકે છે. પોલીસે આખો પ્લોટ 5 ફૂટ ઊંડો ખોદી કાઢ્યો અને માલિકે પુરાવી દીધેલો 45 ફૂટ ઊંડો કૂવો પણ મજૂરો મારફત ફરી ખોદાવ્યો, પરંતુ ડેડબોડીના કોઈ ચિહ્નો મળ્યા નહીં. બે મહિનાની સતત મહેનત છતાં એક પણ હાડકું ન મળતા પોલીસ હવે મૂંઝવણમાં મુકાઈ છે કે શું ખરેખર હત્યા થઈ છે કે પછી આ કોઈને ફસાવવાનું કાવતરું છે?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવ્યાંશુને કુંદન અને મોનુ સાથે ઝઘડો થયો હોવાથી તેમને ફસાવવા માટે તેણે આ આખી વાર્તા રચી હોવાની પણ શક્યતા છે. જોકે, પૂછપરછમાં દિવ્યાંશુ પોતે જ શંકાના દાયરામાં આવી ગયો છે. હાલમાં વિવેકની ભાળ ન મળતા પોલીસે ત્રણેય મિત્રો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો છે. હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે પોલીસ ત્રણેય શકદારોના નાર્કો એનાલિસિસ અથવા લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. શું વિવેક ખરેખર મર્યો છે કે તે ક્યાંક જીવતો છે? તે હવે આ સાયન્ટિફિક ટેસ્ટ બાદ જ સ્પષ્ટ થશે.