Loading Please Wait !!!
"સુરત મનપાના એકાઉન્ટ વિભાગમાં 'ચેક'નું ખેલ! બિલ અને પેમેન્ટની રકમમાં મોટો તફાવત પકડાતા ખળભળાટ"

  • "સુરત મનપાના એકાઉન્ટ વિભાગમાં 'ચેક'નું ખેલ! બિલ અને પેમેન્ટની રકમમાં મોટો તફાવત પકડાતા ખળભળાટ"
  • નવા ડેપ્યુટી કમિશનર નિધિ સિવાને પકડી પાડી વર્ષો જૂની 'લાલિયાવાડી' - અધિકારીઓની બેઠકમાં મચ્યો હડકંપ
  • બદલીઓ થતા જ 'પાપ' છાપરે ચઢીને પોકાર્યું - પૂર્વ અધિકારીની હાજરીમાં જ નવા ડેપ્યુટી કમિશનરે ખખડાવ્યા

નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત મહાનગરપાલિકામાં કરોડોના કેપિટલ કામોના પેમેન્ટ પતાવવાની દોડધામ ચાલી રહી છે. જોકે, આ ઉતાવળની આડમાં એકાઉન્ટ વિભાગમાં ચાલતા વર્ષો જૂના મસમોટા ગોટાળાનો પર્દાફાશ થયો છે. નવા નિમણૂક પામેલા ડેપ્યુટી કમિશનર નિધિ સિવાને કાર્યભાર સંભાળતાની સાથે જ બિલો અને ચેકની રકમમાં જોવા મળતી વિસંગતતાઓ પકડી પાડીને સમગ્ર વિભાગમાં સન્નાટો મચાવી દીધો છે.

બદલી થતા જ ભાંડો ફૂટ્યો તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરે વહીવટી બદલીઓનો ગંજીફો ચીપ્યો હતો. જેમાં વિવાદાસ્પદ રહેલા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈ પાસેથી એકાઉન્ટ વિભાગનો ચાર્જ લઈ નિધિ સિવાનને સોંપવામાં આવ્યો હતો. નવા અધિકારીએ ચાર્જ સંભાળતાની સાથે જ અધિકારીઓ અને કર્મચારીઓની બેઠક બોલાવી હતી, જેમાં તેમણે ખુલાસો કર્યો હતો કે કેટલાક કિસ્સામાં ઓરિજિનલ બિલની રકમ કંઈક અલગ હોય છે અને પેમેન્ટ માટેના ચલણ કે ચેકમાં રકમમાં મોટો તફાવત જોવા મળે છે. પૂર્વ અધિકારીની હાજરીમાં જ તેમણે આ 'લાલિયાવાડી' બંધ કરવા કડક સૂચના આપી હતી.

31 માર્ચ સુધીનો ટાર્ગેટ અને ઓનલાઈન મોનિટરિંગ નાણાકીય વર્ષ પૂરું થવા આવ્યું હોવાથી અત્યારે પેમેન્ટની સિસ્ટમમાં મોટો ફેરફાર કરવો મુશ્કેલ છે, પરંતુ ગેરરીતિ અટકાવવા માટે ડેપ્યુટી કમિશનરે નવી વ્યૂહરચના અપનાવી છે. તમામ અધિકારીઓને એક ખાસ લિંક આપવામાં આવી છે, જેના પર બાકી રહેલા તમામ બિલો અને નવા રજૂ થનારા બિલોની વિગતો ફરજિયાત ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. આ ઉપરાંત, કોઈપણ ચલણ પર સહી કરતા પહેલા બિલની બારીકાઈથી ચકાસણી કરવા તાકીદ કરાઈ છે.

ભ્રષ્ટાચારની મિલીભગત પર તવાઈ સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં લાંબા સમયથી ચોક્કસ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે બિલોમાં ચેડા થતા હોવાની ફરિયાદો ઉઠતી હતી. ખજોદ કચરા કૌભાંડ બાદ પાલિકાની છબી ખરડાઈ હતી, ત્યારે હવે એકાઉન્ટ વિભાગમાં રકમનો તફાવત પકડાવો તે સૂચવે છે કે અંદરખાને મોટું આર્થિક નુકસાન પાલિકાની તિજોરીને થઈ રહ્યું હતું. નિધિ સિવાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે 31 માર્ચ સુધીમાં તમામ કાયદેસરના બિલો ક્લિયર કરવામાં આવે, પરંતુ તેમાં એક રૂપિયાની પણ વિસંગતતા ચલાવી લેવામાં આવશે નહીં.