ગિફ્ટ સિટી બનશે ગ્લોબલ લીઝિંગ હબ: 2 વર્ષમાં 150 એરક્રાફ્ટ ભાડે અપાશે
- ઈન્ડિગો અને અકાસા જેવી દિગ્ગજ કંપનીઓ હવે વિદેશને બદલે ભારતમાંથી વિમાન લીઝ કરશે
- મંત્રી રામમોહન નાયડુએ કરી જાહેરાત; ધોલેરા એરપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ પર પણ ફોકસ
- AAIB ની પારદર્શક તપાસ; પીડિત પરિવારોને વળતર મુદ્દે સરકારનું સતત મોનિટરિંગ
સિટી ન્યુઝ @ ગાંધીનગર : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ગિફ્ટ સિટીમાં યોજાયેલી એરક્રાફ્ટ લીઝિંગ સમિટ દરમિયાન ભારતના એવિએશન સેક્ટર માટે નવા રોડમેપની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આગામી બે વર્ષમાં ગિફ્ટ સિટીમાંથી આશરે 150 એરક્રાફ્ટના લીઝિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એર ઈન્ડિયા 75, ઈન્ડિગો 150 અને અકાસા એર 60 જેટલા વિમાનો ગિફ્ટ સિટીમાંથી લીઝ કરવાની તૈયારીમાં છે. ભારત હવે ડબલિન અને સિંગાપોરની જેમ વૈશ્વિક લીઝિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે, જ્યાં 38 રજિસ્ટર્ડ લીઝર્સ દ્વારા 5.8 બિલિયન ડોલરની એસેટ્સનું સંચાલન થઈ રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટના વિકાસ અંગે મંત્રીએ મોટું એલાન કર્યું કે, 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદ એરપોર્ટને 'વર્લ્ડ ક્લાસ' સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આ ઉપરાંત ધોલેરા એરપોર્ટ પર એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની ભાગીદારી વધારશે. આગામી દાયકામાં દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપોર્ટ વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઉડાન યોજનાની સફળતાને જોતા તેને આગામી 10 વર્ષ માટે લંબાવવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.
સી-પ્લેન સેવા અંગે મંત્રીએ ખુશખબર આપતા જણાવ્યું કે આગામી બે અઠવાડિયામાં કોચીથી લક્ષદ્વીપ વચ્ચે સી-પ્લેન સેવા શરૂ કરી દેવામાં આવશે. એરક્રાફ્ટ લીઝિંગ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સરકારે 'કેપ ટાઉન કન્વેન્શન' અને જરૂરી કાયદાકીય ફેરફારો કર્યા છે. આ ઉપરાંત ગિફ્ટ સિટીની લીઝિંગ ઇન્ડસ્ટ્રી માટે બજેટમાં 20 વર્ષ સુધી 'ટેક્સ હોલિડે' જેવી રાહતો આપવામાં આવી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો વિશ્વાસ ભારતીય બજારમાં વધ્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ અંગે મંત્રીએ સ્પષ્ટતા કરી કે AAIB (Aircraft Accident Investigation Bureau) દ્વારા ગંભીરતા અને પારદર્શિતા સાથે તપાસ ચાલી રહી છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસ હોવાથી પ્રક્રિયામાં થોડો સમય લાગે છે, પરંતુ આગામી એક મહિનામાં તેનો અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. પીડિત પરિવારોના સંપર્ક અને વળતર અંગે પણ સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે જેથી પીડિતોને ન્યાય મળી શકે.
ગુજરાત સરકારના સહયોગ અને કેન્દ્રના પોલિસી રિફોર્મ્સને કારણે રાજ્ય હવે એવિએશન ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. ગિફ્ટ સિટી દ્વારા એવિએશન ફાઇનાન્સિંગ અને લીઝિંગમાં જે તેજી જોવા મળી રહી છે, તેનાથી ભારતીય એરલાઇન્સ કંપનીઓને વિદેશી હૂંડિયામણની બચત થશે અને દેશના અર્થતંત્રને મોટો વેગ મળશે. આગામી દિવસોમાં એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે ભારત વિશ્વના ટોચના દેશોની યાદીમાં સ્થાન મેળવશે તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી છે.