સુરતમાં કિન્નરોનો આક્રોશ: "રેલીમાં નાચવા બોલાવો છો, પણ ટિકિટ આપવામાં કેમ શરમ આવે છે?"
- હજારોની વસ્તી પણ મતદાર યાદીમાં માત્ર 115 નામ – અંતિમ સંસ્કારની જગ્યા માટે પણ સમાજ લાચાર
- નળમાં ગટરનું પાણી અને કબૂતરના પીંછા – નેતાઓ જીત્યા પછી મોઢું જોવાનું પણ પસંદ કરતા નથી
- "શું અમે એલિયન છીએ?" – મૈથલી કુંવરના તીખા સવાલો, સમાજે હક માટે ઉઠાવ્યો અવાજ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે ગ્લેમર અને વેપારની નગરી સુરતનો એક મોટો વર્ગ આજે પણ અંધકારમાં જીવી રહ્યો છે. હીરા અને ટેક્સટાઈલ સિટીમાં હજારોની સંખ્યામાં વસતા કિન્નર સમાજે આ વખતે નેતાઓ સામે મોરચો માંડ્યો છે. ગોડાદરા અને ડીંડોલી વિસ્તારમાં રહેતા કિન્નરોએ આક્ષેપ કર્યો છે કે, "ચૂંટણી આવે ત્યારે નેતાઓ આશીર્વાદ લેવા માટે તો હાથ જોડે છે, પણ જીત્યા પછી અમને ઓળખતા પણ નથી." આ સમાજની સૌથી મોટી પીડા એ છે કે તેમને માત્ર 'મનોરંજનના સાધન' તરીકે જોવામાં આવે છે, જ્યારે તેમના પાયાના પ્રશ્નો ઉકેલવામાં કોઈને રસ નથી.
ગોડાદરાની રામરાજ્ય સોસાયટીમાં રહેતા પાયલ કુંવરે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, સામાન્ય સ્ત્રી-પુરુષો માટે અનેક સુવિધાઓ છે, પરંતુ કિન્નરો માટે કોઈ કોર્પોરેટર ડોકાતું નથી. સૌથી કરુણ બાબત એ છે કે, મર્યા પછી અંતિમ સંસ્કાર માટે જગ્યા માંગતા અમે ત્રણ વર્ષથી કલેક્ટરને અરજી આપી છે, છતાં હજુ સુધી જમીન ફાળવાઈ નથી. પાયલ કુંવરે મોદીજીના 'બેટી બચાવો' અભિયાનનો ઉલ્લેખ કરી પૂછ્યું કે, "શું અમને ભણવા અને ગાંધીનગર-પાર્લામેન્ટ સુધી પહોંચવાનો કોઈ હક નથી?"
અવગણના અંગે મૈથલી ઝુલી કુંવરે તીખા સવાલો કરતા પૂછ્યું હતું કે, "શું અમે આ દેશના નાગરિક નથી, શું અમે એલિયન છીએ?" તેમણે ઉમેર્યું કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી - તમામ ચૂંટણી પહેલા આશીર્વાદ લેવા દોડે છે અને જીત્યા પછી અમારું મોઢું જોવાનું પણ પસંદ કરતા નથી. સાહેબા કુંવરે રાજકીય પક્ષોના દંભ પર પ્રહાર કરતા કહ્યું કે રેલીઓમાં નાચવા માટે અમને ભાવભર્યું ઇન્વિટેશન અપાય છે, પણ જ્યારે ટિકિટ આપવાની વાત આવે ત્યારે બધા પાછળ હટી જાય છે. સુરતમાંથી અત્યાર સુધી એક પણ કિન્નરને રાજકીય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી.
સ્થાનિક રહીશ મહિમા કુંવરે વિસ્તારની બદતર સ્થિતિ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. નળમાં ગટરનું ગંદુ પાણી આવે છે, જેમાં ઘણીવાર મરેલા કબૂતરના પીંછા અને જીવાત નીકળે છે. કિન્નરોએ વેચાતું પાણી લાવીને કે પડોશીઓના બોરિંગનું પાણી માંગીને ગુજરાન ચલાવવું પડે છે. પતરાવાળા ગરમ મકાનોમાં 20-20 લોકો સાથે રહે છે, છતાં કચરો લેવા માટે ગાડીઓ અઠવાડિયામાં એકવાર પણ આવતી નથી. આ સ્થિતિ તંત્રની ઘોર નિષ્ક્રિયતાની ચાડી ખાય છે.
સુરતમાં કિન્નરોની વાસ્તવિક સંખ્યા હજારોમાં છે, પરંતુ મતદાર યાદીમાં માત્ર 115 નામો જ હોવા તે લોકશાહીની મજાક સમાન છે. કિન્નર સમાજની હવે મુખ્ય માંગણી છે કે તેમને અંતિમ સંસ્કાર માટે જમીન મળે, સ્વચ્છ પાણીની સુવિધા અપાય અને શિક્ષણ-રોજગારમાં યોગ્ય અનામત સાથે રાજકીય પ્રતિનિધિત્વ મળે. 'દુવા' આપનારા આ હાથો હવે પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને નેતાઓને સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વખતે માત્ર વાયદાથી કામ નહીં ચાલે.