Loading Please Wait !!!
સુરતના ઉદ્યોગકારોનો મોટો નિર્ણય: 2.50 Lakh શ્રમિકોને પરત લાવવા વતનમાં મોકલાશે ખાસ બસો!

  • "શ્રમિકો અમારા દીકરા સમાન", પલાયન બાદ ખાલી પડેલા કારખાનાઓમાં ફરી રોનક લાવવા કવાયત શરૂ
  • શ્રમિકોના અભાવે મશીનો થયા હતા ઠપ્પ – હવે ઉદ્યોગકારો પોતાના ખર્ચે કારીગરોને પરત લાવશે
  • ક્રૂડના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો અને ગેસ સપ્લાય શરૂ – 2,500 ફેક્ટરીઓ માટે કલેક્ટરે શરૂ કર્યું લિસ્ટિંગ

સુરતની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે શ્રમિકોની ભૂમિકા અનન્ય છે. તાજેતરમાં વૈશ્વિક તણાવ અને ગેસની અછતને કારણે હિજરત કરી ગયેલા અંદાજે 2.50 લાખ શ્રમિકોને પરત લાવવા માટે શહેરના ઉદ્યોગકારો હવે મેદાને આવ્યા છે. ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FOGWA) અને ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા સંયુક્ત રીતે જાહેરાત કરવામાં આવી છે કે, જે શ્રમિકો પાસે સુરત પરત આવવા માટે સાધનો કે આર્થિક સગવડ નથી, તેમને લાવવા માટે ઉદ્યોગ જગત પોતે જ પરિવહનની વ્યવસ્થા કરશે.

છેલ્લા કેટલાય સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા સુરતના વિવિંગ અને પ્રોસેસિંગ એકમો પર તેની માઠી અસર પડી હતી. જોકે, હવે બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા શરૂ થઈ છે અને 15 દિવસનું સીઝફાયર જાહેર કરાતા ક્રૂડના ભાવમાં બેરલ દીઠ 15 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાનુકૂળ સમાચારને પગલે સુરતના ઉદ્યોગકારો હવે ફરીથી પૂરી ક્ષમતા સાથે ઉત્પાદન શરૂ કરવા આતુર છે, પરંતુ શ્રમિકોની અછત એક મોટો પડકાર બનીને ઉભી છે.

શ્રમિકોના પલાયન પાછળ કોમર્શિયલ ગેસના વધેલા ભાવ અને અછત પણ જવાબદાર હતા. આ સમસ્યાના ઉકેલ માટે ઉદ્યોગકારોએ રાજ્ય સરકારના ડેપ્યુટી CM સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. સરકારે આશ્વાસન આપ્યું છે કે ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં ગેસ પૂરો પાડવામાં આવશે. હાલમાં 2,200 થી 2,500 જેટલી ફેક્ટરીઓનું લિસ્ટિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને કલેક્ટર કચેરી દ્વારા ગેસ વિતરણની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. હવે કારખાનાના માલિકો પોતાના વિશ્વાસુ કારીગરોને વ્યક્તિગત ફોન કરીને પરિસ્થિતિ થાળે પડી હોવાની જાણકારી આપી રહ્યા છે.

FOGWA ના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, "શ્રમિકો અમારા પરિવારના સભ્ય અને દીકરા સમાન છે. તેમના વગર મશીનો ચલાવવા અશક્ય છે." તેમણે વધુમાં ઉમેર્યું કે જેવી રીતે કોવિડ કાળમાં ઉદ્યોગોએ પોતાના ખર્ચે શ્રમિકોને સુરત લાવવાની વ્યવસ્થા કરી હતી, તેવી જ રીતે અત્યારે પણ જરૂર પડ્યે ખાનગી બસો કે અન્ય સાધનો વતનમાં મોકલવામાં આવશે. ઉદ્યોગકારોનો આ માનવીય અભિગમ શ્રમિકોમાં પણ વિશ્વાસ જગાડી રહ્યો છે અને તેઓ વહેલી તકે સુરત પરત ફરે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

જિલ્લા પ્રશાસન અને ઉદ્યોગ મંડળો વચ્ચે સતત ડેટા શેરિંગ ચાલી રહ્યું છે. જે શ્રમિકો અને એકમોને તાત્કાલિક ગેસ કે અન્ય મદદની જરૂર છે, તેમની વિગતો કલેક્ટર કચેરીને સોંપી દેવાઈ છે. સરકારના પ્રોત્સાહક અભિગમને કારણે આગામી સપ્તાહમાં સુરતના પૂર્વ વિસ્તારના કારખાનાઓમાં ફરીથી રોનક જોવા મળશે તેવા પ્રબળ સંકેત મળી રહ્યા છે. સુરતનો આ મહત્ત્વનો ઉદ્યોગ હવે ફરીથી પાટા પર ચઢવાની તૈયારીમાં છે, જે શહેરની અર્થવ્યવસ્થા માટે રાહતના સમાચાર છે.