Loading Please Wait !!!
સુરતીઓના સ્વાસ્થ્ય સાથે 'ઝેરી' રમત: 1400 કિલો નકલી પનીરનો રિપોર્ટ ફેલ, પામોલીન તેલ અને એસિડનું નીકળ્યું મિશ્રણ!

  • કિડની ફેલ કરી શકે તેવું 400 કિલો પનીર દરરોજ બજારમાં ઠાલવતું હતું નેટવર્ક - 2 વર્ષથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ
  • ફૂડ વિભાગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: મિલ્ક ફેટ ગાયબ, પામોલીન તેલનો બેફામ ઉપયોગ - મહેશ શર્માની ધરપકડ
  • દૂધને બદલે પાઉડર અને કેમિકલનો ખેલ - મહારાષ્ટ્રના લાયસન્સની આડમાં પાંડેસરામાં ધમધમતી હતી ફેક્ટરી

સુરતની ફૂડ સહેલગાહ પર હવે નકલી પનીરનું ગ્રહણ લાગ્યું છે. પાંડેસરા વિસ્તારમાં SOG અને ફૂડ વિભાગ દ્વારા જે 1400 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું હતું, તેનો લેબોરેટરી રિપોર્ટ અત્યંત ભયાનક આવ્યો છે. આ પનીર વાસ્તવમાં પનીર નહીં પણ પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડનું જીવલેણ મિશ્રણ હોવાનું સાબિત થયું છે.

વી રીતે બનતું હતું આ 'એનાલોગ પનીર'? તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી મહેશ શર્મા મહારાષ્ટ્રના લાયસન્સની આડમાં સુરતમાં ગેરકાયદે ફેક્ટરી ચલાવતો હતો. તે શુદ્ધ દૂધને બદલે પામોલીન તેલ, મિલ્ક પાઉડર અને પાણીનું મિશ્રણ તૈયાર કરતો. દૂધ ફાડવા માટે લીંબુના ફૂલને બદલે કારખાનામાં વપરાતું સસ્તું એસિટિક એસિડ વાપરતો હતો. હાઈટેક મશીનરી દ્વારા આ મિશ્રણને પનીર જેવું ટેક્સચર આપી બજારમાં વેચવામાં આવતું હતું.

સુરતીઓની કિડની પર ખતરો ડીસીપી રાજદીપસિંહ નકુમના જણાવ્યા મુજબ, આ ટોળકી છેલ્લા બે વર્ષથી સક્રિય હતી. દરરોજ 400 કિલો નકલી પનીર સુરતની અનેક હોટલો અને ખાસ કરીને પનીર ભૂર્જીની લારીઓ પર જતું હતું. આટલા સસ્તા ભાવે મળતું પનીર લોકો હોંશે હોંશે આરોગતા હતા, પરંતુ તે શરીરમાં જઈને કિડની અને આંતરડાને ગંભીર નુકસાન કરી રહ્યું છે. રાજકોટના નાગરિકો માટે પણ આ એક ચેતવણી છે કે બજારમાં મળતું અત્યંત સસ્તું પનીર જીવલેણ સાબિત થઈ શકે છે. હવે ફૂડ વિભાગ આ પનીર ખરીદનાર તમામ હોટલો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.