"સુરતમાં મધરાતે હાઈરાઈઝ બિલ્ડિંગના 14મા માળે ભીષણ આગ: જહાંગીરપુરામાં અફરાતફરી, રહીશો જીવ બચાવવા નીચે દોડી આવ્યા"
- સ્વર્ણ લગોમ એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટથી લાગી આગ - ફાયર બ્રિગેડના હાઈડ્રોલિક પ્લેટફોર્મે ટાળી મોટી હોનારત
- જહાંગીરપુરા કેનાલ રોડ પરની બહુમાળી ઈમારતમાં મધરાતે સર્જાયો ભયનો માહોલ - શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન
- ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.ડી. ધોબીના નેતૃત્વમાં રેસ્ક્યુ ઓપરેશન - રહીશોમાં મચી નાસભાગ
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં મોડી રાત્રે એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલા 'સ્વર્ણ લગોમ' એપાર્ટમેન્ટના 14મા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ લાગતા રહીશો જીવ બચાવવા માટે બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા.
14મા માળેથી નીકળ્યા ધુમાડાના ગોટા ઘટના અંગે મળતી માહિતી મુજબ, સ્વર્ણ લગોમ એપાર્ટમેન્ટના 'B' બિલ્ડિંગના 14મા માળે આવેલા એક રૂમમાં અચાનક આગ લાગી હતી. ઊંચાઈ પર આગ હોવાથી આગની જ્વાળાઓ અને ધુમાડો દૂર-દૂર સુધી દેખાતો હતો. આ દ્રશ્યો જોઈને બિલ્ડિંગના અન્ય ફ્લેટમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા અને સીડીઓ મારફતે નીચે દોડી આવ્યા હતા.
હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવી પડી આગ ખૂબ ઊંચા માળે હોવાથી પરિસ્થિતિ ગંભીર હતી. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.ડી. ધોબીએ જણાવ્યું કે, કોલ મળતાની સાથે જ અડાજણ અને જહાંગીરપુરા ફાયર સ્ટેશનથી હાઈડ્રોલિક પ્લેટફોર્મ રવાના કરવામાં આવ્યા હતા. મોરાભાગળ ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક રહીશોએ પણ ફાયર ટીમ આવે તે પહેલા પાણીનો છંટકાવ કરીને આગને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન ફાયર ફાઈટરોએ ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. તપાસ દરમિયાન રૂમમાં ઈલેક્ટ્રિક વાયરો બળી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા, જેના આધારે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. સુરતમાં વારંવાર બનતી આગની ઘટનાઓએ બહુમાળી ઇમારતોની ફાયર સેફ્ટી પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.