નકલી નોટો બાદ હવે નકલી 'ડોક્ટર'નો પર્દાફાશ: પ્રદીપ બાબા વિરુદ્ધ આયુર્વેદિક ડોક્ટરોનો મોરચો, મંત્રી પાનસેરિયાને રજૂઆત!
- સોશિયલ મીડિયાના જ્ઞાનથી કેન્સર મટાડવાના દાવા કરતા ઢોંગી સામે ઉઠ્યો રોષ - સરકાર લાવશે કડક કાયદો
- આચારસંહિતા બાદ નકલી ડોક્ટરો સામે આવશે નવો એક્ટ - રજિસ્ટ્રેશન વગર પ્રેક્ટિસ કરનારા જેલહવાલે થશે
- સત્યમ યોગ ફાઉન્ડેશનના ઓથે ચાલતા કૌભાંડોનો પર્દાફાશ - BAMS ડિગ્રી વગરની પ્રેક્ટિસ પર લાગશે બ્રેક
સુરતમાં નકલી નોટો છાપવાના આરોપમાં પકડાયેલા પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ બાબાના પાપનો ઘડો હવે ભરાઈ રહ્યો હોય તેવું લાગે છે. માત્ર નકલી નોટો જ નહીં, પણ આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ હવે આયુર્વેદિક ડોક્ટરોએ તેની સામે મોરચો ખોલ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે આવા લેભાગુ તત્વોને કારણે સદીઓ જૂની આયુર્વેદિક પરંપરા બદનામ થઈ રહી છે.
સોશિયલ મીડિયાના નુસખા અને લાખોની છેતરપિંડી પ્રદીપ બાબા પોતાના 'સત્યમ યોગ ફાઉન્ડેશન' દ્વારા કેન્સર જેવી જીવલેણ બીમારીઓ મટાડવાનો દાવો કરતો હતો. ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે તેની પાસે કોઈ માન્ય ડિગ્રી નથી અને તે માત્ર ઓનલાઈન અધકચરું જ્ઞાન મેળવીને દવાઓ વેચતો હતો. આ બાબત ત્યારે બહાર આવી જ્યારે તેની ધરપકડ થઈ અને અનેક પીડિતોએ સામે આવીને જણાવ્યું કે બાબાએ સારવારના નામે તેમની પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા છે.
સરકારનો કડક પંજો: નવો એક્ટ ટૂંક સમયમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મામલે ગંભીરતા દાખવતા જણાવ્યું છે કે, સરકાર નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વોને ડામવા માટે કટિબદ્ધ છે. આગામી સમયમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારો કરીને તમામ મેડિકલ સેવાઓનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ખાસ કરીને વરાછા જેવા વિસ્તારો અને અંતરિયાળ ગામડાઓમાં નાકે-નાકે બેસીને ગંભીર બીમારીઓ મટાડવાના દાવા કરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. રાજકોટના ડોક્ટરોએ પણ આ પહેલને આવકારી છે અને માંગ કરી છે કે આવા ઢોંગીઓ સામે દાખલો બેસાડવો જોઈએ.