Loading Please Wait !!!
"સુરજ ભુવાજીની મુશ્કેલી વધી: સુપ્રીમ કોર્ટે જામીન રદ કરતા ફરી જેલના સળિયા ગણવા પડશે"

  • લાશ સળગાવી, મિત્રની માતાને મૃતક બનાવી મુંબઈ મોકલી - પોલીસને ગેરમાર્ગે દોરનારા તમામ પાપોનો પર્દાફાશ
  • જૂનાગઢની યુવતીની હત્યા કરી પેટ્રોલ છાંટી સળગાવી હતી - મિત શાહ અને ગુંજન જોષી પણ જશે જેલ
  • દુષ્કર્મની ફરિયાદનો કાંટો કાઢવા ખેતરમાં ગળું દાબ્યું હતું - હત્યા બાદ ગુમ થયાનું નાટક પણ નિષ્ફળ રહ્યું

વર્ષ 2023માં જૂનાગઢની એક 22 વર્ષીય યુવતીની ઠંડા કલેજે હત્યા કરી તેની લાશ સળગાવી દેવાના ચકચારી કેસમાં સુરજ ભુવાજી ઉર્ફે સુરજ સોલંકીની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટે સુરજ ભુવાજી સહિતના ચાર આરોપીઓને શરતી જામીન આપ્યા હતા, જેની સામે મૃતકના પરિવારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુનાની ગંભીરતા અને પુરાવાઓ સાથે છેડછાડની શક્યતાઓને ધ્યાને રાખી તમામ આરોપીઓના જામીન રદ કર્યા છે અને તેમને 4 અઠવાડિયામાં સરેન્ડર થવા આદેશ આપ્યો છે.

આ સમગ્ર કેસની વિગત મુજબ, પહેલેથી પરિણીત સુરજ ભુવાજી જૂનાગઢની યુવતી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. બંને વચ્ચે ઝઘડા થતા યુવતીએ સુરજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પાછી ખેંચવા અને યુવતીનો કાંટો કાઢી નાખવા સુરજે પોતાના મિત્રો મિત શાહ, ગુંજન જોષી અને મુકેશ સોલંકી સાથે મળીને ખતરનાક કાવતરું રચ્યું હતું. યુવતીને કોર્ટના કામે અમદાવાદ લઈ જવાનું બહાનું કરી રસ્તામાં ચોટીલા પાસેના એક ખેતરમાં તેની ગળું દાબી હત્યા કરવામાં આવી હતી અને લાશ પર પેટ્રોલ છાંટી તેને સળગાવી દેવાઈ હતી.

હત્યા કર્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીઓએ ફિલ્મી ઢબે પ્લાનિંગ કર્યું હતું. સહ-આરોપી મિત શાહની માતાને મૃતક યુવતીના કપડાં પહેરાવી સીસીટીવી કેમેરા સામેથી પસાર કરવામાં આવ્યા હતા, જેથી એવું લાગે કે યુવતી જીવિત છે અને મુંબઈ જતી રહી છે. એટલું જ નહીં, યુવતીના મોબાઈલથી સુરજના ફોન પર 'હું તારી જિંદગીમાંથી દૂર જઈ રહી છું' તેવા બનાવટી મેસેજ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થઈ હોવાનું નાટક પણ ભજવવામાં આવ્યું હતું.

જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરતા આ સમગ્ર મામલો ઉઘાડો પડ્યો હતો. સહ-આરોપી મિત શાહની કડક પૂછપરછમાં તેણે વટાણા વેરી દીધા હતા કે કેવી રીતે સુરજ ભુવાજીએ આ હત્યા કરી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે પોલીસથી બચવા માટે આરોપીઓએ યુવતીનો મોબાઈલ અને સામાન પણ નાશ પામ્યા હતા. આ કેસમાં 70 જેટલા સાહેદોની યાદી તૈયાર કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે જામીન રદ કરતા નોંધ્યું હતું કે, આ એક જઘન્ય અપરાધ છે અને તપાસમાં જે રીતે પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થયા છે તે જોતા આરોપીઓને મુક્ત રાખવા ન્યાયના હિતમાં નથી. હવે સુરજ ભુવાજી સહિત તેના સાથીદારોએ ફરી જેલના સળિયા ગણવા પડશે. આ ચુકાદાથી મૃતક યુવતીના પરિવારમાં ન્યાયની આશા જન્મી છે. આગામી દિવસોમાં આ કેસની ટ્રાયલ ફાસ્ટ ટ્રેક પર ચાલે તેવી શક્યતા છે.