અનધિકૃત બાંધકામો અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ!
-
જસ્ટિસ અહસાનોદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે નોંધ લીધી.
-
દિલ્હીના લાજપતનગર અને સરોજિની નગર માર્કેટમાં ઇમારતોની મજબૂતી તપાસાશે.
-
મ્યુનિસિપલ બોડીઝ દ્વારા બેદરકારી દાખવવામાં આવતા કોર્ટે ઉધડો લીધો.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, દેશભરમાં વર્ષોથી મોટા પાયે થઈ રહેલા અનધિકૃત બાંધકામ અને નિયમોનું ઉલ્લંઘન કરીને રહેણાંક વિસ્તારોમાં ચાલી રહેલી વ્યાપારી પ્રવૃત્તિઓ પર સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી, પટણા, લખનઉ અને અન્ય શહેરોમાં આવા મામલાઓ પર યુદ્ધના ધોરણે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ આદેશ બાદ આ તમામ શહેરોમાં મોટા પાયે બુલડોઝર ચલાવવાની અને સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જસ્ટિસ અહસાનોદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સુનાવણી દરમિયાન ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દિલ્હીની હોટેલ અને લખનઉના કોચિંગ સેન્ટરમાં લાગેલી ભયાનક આગને કારણે મોટા પાયે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. નિયમોના ભંગ અને ગેરકાયદે બાંધકામોના કારણે જ આવી મોટી અને જીવલેણ દુર્ઘટનાઓ સર્જાય છે, જેને હવે સાંખી લેવામાં આવશે નહીં.
દિલ્હીના લાજપતનગર અને સરોજિની નગર માર્કેટમાં ગેરકાયદે બાંધકામો તપાસવા અંગે અગાઉ આદેશ અપાયા હોવા છતાં MCD અને NDMC દ્વારા સરવેનું કામ સમયસર શરૂ ન કરાતા સુપ્રીમ કોર્ટે બંને સંસ્થાઓનો ઉધડો લીધો હતો. કોર્ટે IIT દિલ્હીના પ્રોફેસરો અને નિષ્ણાતોની કમિટી બનાવીને ઇમારતોની સુરક્ષા તપાસવાનો નિર્દેશ આપ્યો છે.
પટણા નગર નિગમના સોગંદનામા મુજબ સરવેમાં ૨૬,૭૪૬ કેસોમાં રહેણાંક મિલકતોનો ઉપયોગ કોમર્શિયલ કામો માટે થતો હોવાનું સામે આવ્યું છે. પૂર્વ નિગમ કમિશનર પરાશર દ્વારા માત્ર 500 મામલાઓની વિગતો અપાતા કોર્ટે તેને ગંભીર બેદરકારી ગણીને શૉ-કોઝ નોટિસ પાઠવી છે અને કાનૂની કાર્યવાહી અંગે પૂછપરછ કરી છે.
સાથે જ, લખનઉ વિકાસ મંડળને પણ શહેરમાં નિયમો વિરુદ્ધ થયેલા બાંધકામો સામે દિલ્હીની જેમ સરવે કરવાનો આદેશ અપાયો છે. LDA ના વાઇસ ચેરમેન પ્રથમેશ કુમારે ખાતરી આપી છે કે આગામી ત્રણ અઠવાડિયાની અંદર યુદ્ધના ધોરણે આ તપાસ અને કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે.
શહેરી સુરક્ષા અને કાયદો
દેશના મુખ્ય શહેરોમાં અનધિકૃત બાંધકામો અને સુરક્ષાના ધોરણોની અવગણના અટકાવવા માટે ન્યાયતંત્ર દ્વારા લેવાતા કડક નિર્ણયો નાગરિકોના જીવન અને સુરક્ષાની રક્ષા માટે અત્યંત આવશ્યક સાબિત થાય છે.