સ્વતંત્રતા દિન પૂર્વે પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલાયેલા હથિયારો સાથે 3 ઝડપાયા!
-
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરક્ષા એજન્સીઓ અને પોલીસે બંદોબસ્ત સઘન કર્યો.
-
પંજાબ અને હરિયાણા ક્ષેત્રમાં ગેરકાયદેસર હથિયારો ઠાલવવાનું મોટું ષડયંત્ર.
-
દિલ્હીમાં ઘૂસેલા આતંકીઓની શોધખોળ વચ્ચે ચંદીગઢ પોલીસને સફળતા મળી.
સિટી ન્યુઝ @ ચંદીગઢ
સ્વતંત્રતા દિનની ઉજવણી પૂર્વે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે ત્યારે આતંકીઓ અને ગુનાહિત નેટવર્ક સક્રિય થઈ ગયા હોવાના સંકેતો મળી રહ્યા છે. દિલ્હીમાં ઘૂસેલા 19 આતંકીઓની શોધોખોળ ચાલી રહી છે તેવામાં ચંદીગઢ પોલીસે એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરીને પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલાયેલા હથિયારો સાથે 3 લોકોની ધરપકડ કરી છે. આ હથિયારો કોઈ મોટા આતંકી કે ગુનાહિત કાવતરામાં ઉપયોગમાં લેવાના હતા કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
ચંદીગઢ પોલીસના જણાવ્યા મુજબ આ ત્રણેય આરોપીઓ એક સ્થાનિક ગેંગસ્ટર સાથે સીધા જોડાયેલા છે. સુરક્ષા દળોએ ચેકિંગ દરમિયાન તેમની પાસેથી 4 પિસ્તોલ, 2 મેગેઝીન અને 19 જીવતા કારતૂસ કબજે કર્યા હતા. આ હથિયારો મેળવીને તેઓ કઈ જગ્યાએ અને કયા હેતુથી મોટો હુમલો કે આક્રમણ કરવાના હતા તે દિશામાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
અગાઉ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન 2 શખ્સો અજય અને રોહિતની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમની પૂછપરછના આધારે ત્રીજા આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રાથમિક સફળતા બાદ પોલીસ ટીમે સમગ્ર નેટવર્કના તાર મેળવવાની કામગીરી ઝડપી બનાવી હતી.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ હથિયારો પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફતે સરહદ પારથી અમૃતસરના કક્કડ ગામે મોકલવામાં આવ્યા હતા. ત્યાં રહેતા એક સપ્લાયર મારફતે આ ગેંગસ્ટરે હથિયારોનો જથ્થો મેળવ્યો હતો. હાલમાં સપ્લાયર તરીકે ઓળખાયેલા 32 વર્ષના નિશાનસિંહને ઝડપી પાડવા માટે પોલીસે ચારેય તરફ સઘન દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
પંજાબ અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા શસ્ત્રો અને નશીલા પદાર્થો ઠાલવવાનું નેટવર્ક સતત વધી રહ્યું છે. 15 ઓગસ્ટ પૂર્વે આટલી મોટી માત્રામાં ગેરકાયદે હથિયારો પકડાવાથી મોટો અકસ્માત ટળ્યો છે અને સુરક્ષા દળો સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધુ મજબૂત બનાવી રહ્યા છે.
સીમાપારના આતંકી ષડયંત્રો સામે દેશમાં સુરક્ષા વ્યવસ્થા
સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય પર્વ પૂર્વે દેશની સરહદો પર ડ્રોન અને ગેંગસ્ટર નેટવર્ક દ્વારા થતી હથિયારોની હેરાફેરી સામે સુરક્ષા દળોનું સતત એલર્ટ રહેવું અને સમયસર કાર્યવાહી કરવી એ રાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ જાળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.