Loading Please Wait !!!
સરકાર અને વિપક્ષ વચ્ચેની ટક્કર નિર્ણાયક મોડ પર, FCRA બિલ JPC ને આપવા સરકાર તૈયાર!

 

  • એક પખવાડિયાથી ચાલી રહેલા સંસદીય ગતિરોધ વચ્ચે સમાધાનના સંકેતો.

  • વિવાદાસ્પદ FCRA ખરડો વધુ વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિને સોંપાશે.

  • જંતર મંતર પર પોલીસ દમન અંગે ગૃહમંત્રીના જવાબની માંગ સાથે વિપક્ષો મક્કમ.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે છેલ્લા 1 પખવાડિયાથી ચાલી રહેલી ટક્કર હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. સંસદના ચોમાસુ સત્રના આખરી 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે જંતર મંતરથી લઈને રાંચી સુધીના આંદોલનો પર થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દે સમાધાનની શક્યતા નહિવત દેખાઈ રહી છે. જોકે, ગૃહનું કામકાજ પુનઃ શરૂ કરવાના પ્રયાસ રૂપે સરકારે રજૂ કરેલું વિવાદાસ્પદ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) બિલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ને સુપ્રત કરવા માટે સરકાર તૈયાર થઈ ગઈ છે.

આ વિવાદાસ્પદ ખરડા સામે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાથી પણ વિરોધ નોંધાવાયો હતો, તેમજ દેશના વિપક્ષો પણ માંગ કરી રહ્યા હતા કે સરકારે આ ખરડો પસાર કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં. વર્તમાન સત્રમાં આ બિલ મંજૂર થવાની શક્યતા ન હોવાથી તેને JPC ને સોંપવાનો નિર્ણય લેવાયો છે. તેમ છતાં સંસદની કાર્યવાહી સરળતાથી ચાલશે કે કેમ તે અંગે હજુ પણ સંશય બનેલો છે, કારણ કે વિપક્ષો જંતર મંતર પરના પોલીસ દમન અંગે જવાબની માંગ પર અડગ છે.

બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવે લોકસભામાં હાજરી આપે તેવી પૂરી શક્યતા છે. સરકારનો દાવો છે કે અમિત શાહ વિપક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે અને વિપક્ષે પણ તે સાંભળવાની તૈયારી રાખવી પડશે. આ સાથે જ રાંચીમાં થયેલી ઘટનાઓ અને વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ મુદ્દે રાહુલ ગાંધીનો પણ જવાબ માંગવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

ભાજપ સહિત NDA ગઠબંધને રાંચીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દાને આગળ ધરીને કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોને ઘેરવાની વળતી મજબૂત રણનીતિ અપનાવી છે. બંને પક્ષો પોતપોતાના વલણ પર મક્કમ હોવાથી સંસદના બંને ગૃહોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે અને સત્રના અંતિમ કલાકો અત્યંત રોમાંચક બની રહ્યા છે.

આગામી 2 દિવસમાં નવા સીમાંકન અને મહિલા અનામત ખરડા સહિતના મહત્વપૂર્ણ વિષયો પર પણ સરકાર અને વિપક્ષ વચ્ચે નવી ટક્કર જોવા મળી શકે છે. ભાજપે હજુ સુધી પોતાના તમામ પત્તા ખોલ્યા નથી, જેથી સંસદના આખરી ચરણમાં ભારે ધમાસાણ અને રાજકીય ડ્રામા થવાની પૂરી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.