Loading Please Wait !!!
હોર્મુઝ સંકટમાં જાપાનનો માસ્ટરસ્ટ્રોક: 4 વર્ષ બાદ રશિયા પાસેથી ખરીદ્યું ઓઇલ

  • ઉર્જા સુરક્ષા માટે જૂની મિત્રતાની સીમાઓ ઓળંગી; 3 મેના રોજ રશિયન ઓઇલ સાથેનું જહાજ જાપાન પહોંચશે.
  • પશ્ચિમ એશિયા પર નિર્ભરતા ઘટાડવા પીએમ સનાએ ટાકાઈચીએ લીધો મોટો નિર્ણય; રશિયન ઓઇલની ખરીદીથી સૌ સ્તબ્ધ.
  • ઓમાનના ધ્વજવાળું ટેન્કર રશિયન ઓઇલ લઈ કિકુમા પોર્ટ પર પહોંચશે; અમેરિકાના મૌનથી અનેક તર્ક-વિતર્ક

સિટી ન્યુઝ @ ટોક્યો : એશિયામાં અમેરિકાના સૌથી વિશ્વસનીય સાથી ગણાતા જાપાને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌને ચોંકાવી દીધા છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકેબંધીને કારણે ઓઇલ પુરવઠો ખોરવાતા જાપાને રશિયા તરફ હાથ લંબાવ્યો છે. વર્ષ 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે જાપાને રશિયા પાસેથી ઓઇલની ખરીદી કરી છે. આ નિર્ણય જાપાનની બદલાતી વૈશ્વિક વ્યૂહનીતિ અને રાજદ્વારી મજબૂરીનો સ્પષ્ટ સંકેત આપે છે.

જાપાન તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના 90 ટકાથી વધુ પુરવઠા માટે પશ્ચિમ એશિયા પર નિર્ભર છે. હાલમાં અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે જાપાનની સપ્લાય લાઇન જોખમમાં મુકાઈ છે. જ્યારે દેશનું અર્થતંત્ર દાવ પર હોય ત્યારે જાપાને રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપી છે. પીએમ સનાએ ટાકાઈચીએ સ્પષ્ટ કર્યું છે કે મે મહિના માટેની 60 ટકા તેલની જરૂરિયાત હવે વૈકલ્પિક માર્ગો અને સ્ત્રોતો દ્વારા પૂરી કરવામાં આવશે.

રશિયાની ન્યૂઝ એજન્સી TASS ના જણાવ્યા અનુસાર, જાપાને 'સખાલિન બ્લેન્ડ' ગ્રેડનું ઓઇલ ખરીદ્યું છે. ઓમાનનો ધ્વજ ધરાવતું ટેન્કર 'વોયેજર' 3 મેના રોજ શિકોકુ ટાપુ પર આવેલા કિકુમા પોર્ટ પર પહોંચવાની શક્યતા છે. આ ઓઇલ જાપાનની 'તાઈયો ઓઇલ' રિફાઈનરીને પૂરું પાડવામાં આવશે. જાપાન પાસે 44 કરોડ બેરલનો વિશાળ ભંડાર હોવા છતાં, લાંબા ગાળાના સંકટને ટાળવા માટે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું જોખમ ઉઠાવ્યું છે.

જાપાન સરકાર દ્વારા ઓઇલના ભંડારમાંથી વધારાના 20 દિવસનો પુરવઠો બજારમાં મુક્ત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આટલા મોટા ફેરફાર છતાં અમેરિકાએ હજુ સુધી આ બાબતે મૌન સેવ્યું છે. જાપાન અને અમેરિકા વચ્ચેનું સંરક્ષણ ગઠબંધન મજબૂત હોવા છતાં, ઉર્જા સુરક્ષાના મામલે જાપાને સાબિત કર્યું છે કે તે પોતાની જનતા અને ઉદ્યોગોને બચાવવા માટે કોઈ પણ વ્યવહારિક ડગલું ભરતા અચકાશે નહીં.

આ ઘટના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક નવો વળાંક સૂચવે છે. હોર્મુઝ જેવા સંવેદનશીલ વિસ્તારો પરની નિર્ભરતા ઘટાડવા માટે હવે વિશ્વના અન્ય દેશો પણ નવા વિકલ્પો શોધશે. રશિયા, ઇઝરાયલ અને મધ્ય પૂર્વના દેશો વચ્ચેના તણાવ વચ્ચે જાપાનનું આ સંતુલન તેને આંતરરાષ્ટ્રીય ફલક પર એક સક્ષમ અને વ્યવહારુ ખેલાડી તરીકે રજૂ કરે છે. આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે ઉર્જા અને રાષ્ટ્રીય સુરક્ષાના કિસ્સામાં દરેક રાષ્ટ્ર માટે પોતાનું હિત સર્વોપરી હોય છે.