ટ્રમ્પની ક્યુબાને ખુલ્લી ધમકી: 'જહાજ તૈનાત કરતા જ ક્યુબા કરી દેશે સરેન્ડર'
- ઈરાન મિશન બાદ હવે અમેરિકા ક્યુબા પર કબજો કરવાની તૈયારીમાં; વિશ્વભરમાં ખળભળાટ.
- અમેરિકી સૈન્ય તાકાતના જોરે ક્યુબાને નમાવવાનો દાવો; પામ બીચ પર ટ્રમ્પની ગર્જના.
- એકસાથે અનેક મોરચે લડવાને બદલે ટ્રમ્પ હાલ જૂના લક્ષ્યાંકો પૂરા કરવા મક્કમ.
સિટી ન્યુઝ @ ફ્લોરિડા : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના નિવેદનથી વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. ફ્લોરિડાના પામ બીચ પર આયોજિત 'ફોરમ ક્લબ'ના એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવતા કહ્યું કે, અમેરિકા બહુ જલ્દી ક્યુબા પર 'કબ્જો' કરવા જઈ રહ્યું છે. તેમણે ડેન માઈકાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ક્યુબા એક એવી જગ્યા છે જેને અમે લગભગ તાત્કાલિક અમારા કબજામાં લેવા જઈ રહ્યા છીએ.
ટ્રમ્પે ક્યુબાની વર્તમાન પરિસ્થિતિ અંગે વાત કરતા સ્વીકાર્યું છે કે ત્યાં અત્યારે ઘણી ગંભીર સમસ્યાઓ ચાલી રહી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ એકસાથે અનેક મોરચે કે લડાઈમાં જોડાવા માંગતા નથી. તેમણે જણાવ્યું કે તેઓ અત્યારે જે કામ હાથ પર છે તેને પહેલા પૂરું કરવા પર ધ્યાન આપી રહ્યા છે, કારણ કે તેમને અધૂરા કામ છોડવાને બદલે તેને પૂર્ણ કરવા પસંદ છે.
સૈન્ય તાકાતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા કોઈપણ મોટા યુદ્ધ વગર ક્યુબાને નમાવી શકે છે. તેમના મતે, જ્યારે અમેરિકા ઈરાનથી પરત ફરી રહ્યું હશે, ત્યારે તેમની પાસે દુનિયાનું સૌથી મોટું વિમાનવાહક જહાજ 'યુએસએસ અબ્રાહમ લિંકન' હશે. આ જહાજને ક્યુબાના દરિયાકિનારાથી માત્ર 100 યાર્ડ દૂર ઊભું રાખી દેવાથી જ ત્યાંના લોકો આત્મસમર્પણ કરવા માટે મજબૂર થઈ જશે.
આ નિવેદનની સાથે જ ટ્રમ્પ વહીવટીતંત્રે ક્યુબા પર દબાણ વધારવાની શરૂઆત પણ કરી દીધી છે. શુક્રવાર, 1 મે 2026ના રોજ ટ્રમ્પે ક્યુબા વિરુદ્ધ નવા પ્રતિબંધોનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધોમાં કમ્યુનિસ્ટ શાસિત ક્યુબાના અનેક લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે, સાથે જ તેમની સાથે વ્યવહાર કરનાર વિદેશી બેન્કોને પણ ચેતવણી આપવામાં આવી છે.
ટ્રમ્પનું આ નિવેદન માત્ર મજાક છે કે ભવિષ્યની કોઈ વ્યૂહનીતિનો હિસ્સો, તે અંગે અત્યારે રાજકીય જગતમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. જે રીતે અમેરિકા એક બાદ એક દેશો સામે કડક વલણ અપનાવી રહ્યું છે, તે જોતા આગામી સમયમાં કેરેબિયન દેશોમાં મોટી ભૌગોલિક રાજકીય હિલચાલ જોવા મળી શકે છે.