પાગલોના હાથમાં એટમ બોમ્બ ન આપી શકાય: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
ઈરાનના નવા પ્રસ્તાવમાં પરમાણુ મુદ્દાનો ઉલ્લેખ ન હોવાથી અમેરિકા નારાજ
કોંગ્રેસની મંજૂરીથી બચવા અમેરિકાએ યુદ્ધ સમાપ્તિની સત્તાવાર જાહેરાત કરી
સિટી ન્યૂઝ@વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ રોકવાની ઓફરને ફરી એકવાર ફગાવી દીધી છે. ફ્લોરિડામાં 1 કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકા પાગલોના હાથમાં પરમાણુ હથિયારો આપી શકે નહીં. તેમણે દાવો કર્યો કે ઈરાન સાથે યુદ્ધ કરીને અમેરિકાએ ઈઝરાયલ, યુરોપ અને મિડલ ઈસ્ટને પરમાણુ ખતરાથી તબાહ થતાં બચાવી લીધા છે. ઈરાને 26 અને 27 એપ્રિલે યુદ્ધ રોકવા માટે નવો પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ તેમાં પરમાણુ મુદ્દાનો કોઈ જ ઉલ્લેખ ન હોવાથી ટ્રમ્પે તેને ઠુકરાવી દીધો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન વાતચીત માટે આવતા પહેલા પોતાનું એનરિચ્ડ યુરેનિયમ સોંપી દે. બીજી તરફ, અમેરિકામાં યુદ્ધના કાયદાને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. અમેરિકી 1973 ના વોર પાવર્સ કાયદા મુજબ રાષ્ટ્રપતિએ 60 દિવસની અંદર કોંગ્રેસ પાસેથી યુદ્ધની મંજૂરી લેવી પડે છે, જેની સમયમર્યાદા 1 મેના રોજ પૂરી થઈ ગઈ છે. આ કાયદાની મર્યાદાથી બચવા વ્હાઇટ હાઉસે સંસદને સત્તાવાર રીતે પત્ર લખીને જણાવી દીધું છે કે ઈરાન યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું છે, ભલે ત્યાં અમેરિકી સેના હજુ પણ હાજર હોય. જોકે, ટ્રમ્પે વિવાદ વધારતા કહ્યું છે કે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવા માટે તેમને સંસદની મંજૂરીની કોઈ જ જરૂર નથી. યુદ્ધ અને તણાવની સ્થિતિ વચ્ચે ખાડી ક્ષેત્રમાં ભારે નુકસાનીના અહેવાલો પણ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, ઈરાને 8 દેશોમાં આવેલા ઓછામાં ઓછા 16 અમેરિકી સૈન્ય ઠેકાણાઓને ડ્રોન અને મિસાઈલ હુમલાઓથી ભારે નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે સામે પક્ષે, અમેરિકી દરિયાઈ નાકાબંધીના કારણે ઈરાનની તેલ સપ્લાય ખોરવાઈ ગઈ છે, જેનાથી ઈરાનને 4.8 અબજ ડોલર (લગભગ 456 અબજ રૂપિયા) નું મસમોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ નાકાબંધીના કારણે હોર્મુઝમાં જહાજોનો ટ્રાફિક 90 ટકા જેટલો ઘટી ગયો છે.
અમેરિકા દ્વારા F-16 રડાર અપગ્રેડેશન માટે નવો કોન્ટ્રાક્ટ અમેરિકી વાયુસેનાએ F-16 વિમાનોના રડાર અપગ્રેડેશન માટે 488 મિલિયન ડોલરના નવા કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આનાથી પાકિસ્તાન સહિત અમેરિકાના અનેક સહયોગી દેશોને ફાયદો થશે અને પાકિસ્તાની F-16 વિમાનો 2040 સુધી કાર્યરત રહી શકશે.સંરક્ષણ કંપની નોર્થરોપ ગ્રુમન આ કોન્ટ્રાક્ટ હેઠળ 'APG-66' અને 'APG-68' રડાર સિસ્ટમને અત્યાધુનિક સપોર્ટ આપશે. મેરીલેન્ડમાં થનારું આ અપગ્રેડેશન માર્ચ 2036 સુધી ચાલશે, જેના માટે શરૂઆતમાં 2.64 મિલિયન ડોલર ફાળવાયા છે.અમેરિકાના FMS પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાન ઉપરાંત બહેરીન, ઇઝરાયલ, ઇજિપ્ત અને તુર્કિયે સહિત અન્ય 20 જેટલા દેશોને આ સપોર્ટનો લાભ મળશે.