Loading Please Wait !!!
દેશમાં પહેલીવાર બાળકોના ખાન-પાનમાં કેલરી અને સુગરની માત્રા નક્કી!

 

  • આ નિયમ આ જ શૈક્ષણિક સત્રથી તમામ શાળાઓ પર લાગુ થશે.

  • સરકારી, ખાનગી અને અર્ધસરકારી શાળાઓમાં આ નીતિ અમલી બનશે.

  • અગાઉ 2020 ના રેગ્યુલેશન્સમાં માત્રા નક્કી ન હોવાથી મુશ્કેલી હતી.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, દેશમાં દિન-પ્રતિદિન મેદસ્વી થઈ રહેલા બાળકોની સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈને હવે કેન્દ્ર સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સરકારે દેશમાં પહેલીવાર બાળકોના ખાન-પાનમાં કેલરી અને સુગરની મહત્તમ માત્રા કાયદાકીય રીતે નક્કી કરી દીધી છે. આ નવા નિયમ હેઠળ દેશની કોઈપણ શાળા કે શૈક્ષણિક પરિસરમાં નિર્ધારિત મર્યાદા મુજબ જ ખાદ્ય પદાર્થોમાં કેલરી અને સુગર રાખવામાં આવશે, જેથી બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે.

આ મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ હવે શાળાની કેન્ટીન કે કેફેમાં પિઝા, બર્ગર અને કોલ્ડ ડ્રિંક્સ જેવી હાઈ કેલરીવાળી જંક ફૂડ વસ્તુઓનું વેચાણ કરી શકાશે નહીં. કેન્દ્ર સરકાર આ નિયમોને ટૂંક સમયમાં જ કડકાઈથી લાગુ કરવા જઈ રહી છે અને આ નિયમ આજ શૈક્ષણિક સત્રથી જ દેશની તમામ ખાનગી, સરકારી અને અર્ધસરકારી શાળાઓ પર લાગુ થઈ જશે. આ નવા દાયરામાં દેશભરના આશરે 24.69 કરોડ બાળકો સીધા આવરી લેવામાં આવશે.

અગાઉ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ 2020 અંતર્ગત માત્ર હાઈ કેલરી અને હાઈ સુગર ન આપવાની સામાન્ય સલાહ આપવામાં આવતી હતી, પરંતુ તેની ચોક્કસ માત્રા નક્કી ન હોવાને કારણે નિયમભંગ કરનાર સામે કોઈ કડક કાનૂની કાર્યવાહી કરી શકાતી નહોતી. હવે પ્રતિ 100 ગ્રામ દીઠ પ્રવાહી અને ઘન પદાર્થો માટે સ્પષ્ટ માત્રા નક્કી કરી દેવામાં આવી છે, જેથી આ મર્યાદા કરતાં વધુ પ્રમાણ હોવા પર સંબંધિત જવાબદારો સામે કડક દંડાત્મક પગલાં લઈ શકાશે.

બાળકોમાં નાની વયે વધતી બિમારીઓ અને સ્થૂળતાને અટકાવવા માટે શાળાઓમાં પૌષ્ટિક આહારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વાલીઓ અને આરોગ્ય વિશેષજ્ઞો દ્વારા સરકારના આ પગલાને આવકારવામાં આવ્યું છે.

આગામી સમયમાં શૈક્ષણિક સંસ્થાઓએ આ તમામ ધોરણોનું પાલન કરવું અનિવાર્ય બનશે, જે દેશના ભવિષ્ય સમાન બાળકોના સ્વાસ્થ્ય માટે એક દીર્ઘદ્રષ્ટિવાળું અને સકારાત્મક પગલું સાબિત થશે.

ક્યાં લાગુ, શું અસર
આ નિયમ શાળાનાં ગેટના 50 મીટરના દાયરા સુધી લાગું થશે. આનાથી શાળા પરિસરમાં કેન્ટીન, કેફે કે મેસ, હોસ્ટેલ મેસ જેવા તમામ ખાણી-પીણીના સેન્ટરો આવી જશે.
નવા નિયમો મિડ-ડે મીલથી લઈને ખાનગી શાળાઓની કેન્ટીન સુધી લાગું થશે.
નવા નિયમોમાં ઠંડા પીણાં, પિઝા-બર્ગર જેવા ખાદ્ય પદાર્થો વેચાવાના બંધ અથવા ઓછા થઈ શકે છે.
જો આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો સામાન્ય નિયમો હેઠળ જ કાર્યવાહી થશે. ફરક એ છે કે હવે માત્રાના આધારે તપાસ કરીને હાઈ કેલરી કે હાઈ સુગર નક્કી થઈ જશે. અત્યાર સુધી માત્રા નક્કી ન હોવાને કારણે લોકો બચી જતા હતા.

શાળાઓમાં નક્કી માત્રા
ખાદ્ય પદાર્થ  કેલરી  સુગર  મીઠું 
સોલિડમાં  4.2  3.0  0.625 
પ્રવાહીમાં  1.5  2.0  0.175 
(આંકડા ગ્રામમાં - પ્રતિ 100 ગ્રામ)