સિંગર કિંજલ રબારી હાઇકોર્ટમાં હાજર: કહ્યું- કિડનેપ નથી થઈ, મરજીથી પતિ અશોક સાથે રહેવું છે
-
કિંજલ રબારીએ વર્ચ્યુઅલ સુનાવણીમાં સ્પષ્ટતા કરી કે તે પોતાની મરજીથી પતિ અશોક ચૌધરી સાથે રહે છે
-
અગાઉ હેબિયસ કોર્પસ વખતે પરિવારના દબાણમાં આવીને પતિ સાથે જવાની ના પાડી હોવાનો ઘટસ્ફોટ
-
હાઇકોર્ટે બંને અરજદારોના જીવનું જોખમ ધ્યાને રાખી સુરક્ષા આપવા સરકારી વકીલને સૂચના આપી
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી 6 સપ્ટેમ્બરે જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું કથિત અપહરણ થયાના ચકચારી કેસમાં મોટો વળાંક આવ્યો છે. કિંજલ રબારી આજે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોતાના પતિ અશોક ચૌધરી સાથે વીડિયો કોન્ફરન્સિંગ (VC) ના માધ્યમથી હાજર થઈ હતી. અદાલતમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેનું કોઈ અપહરણ થયું નથી, તે પુખ્ત વયની છે અને પોતાની સંપૂર્ણ મરજીથી પતિ અશોક ચૌધરી સાથે રહેવા માંગે છે.
સુનાવણી દરમિયાન અદાલતના સવાલના જવાબમાં 24 વર્ષીય ગાયિકાએ જણાવ્યું કે તે કોઈના દબાણમાં નથી અને સ્વેચ્છાએ પતિ પાસે ગઈ છે. તેણે ખુલાસો કર્યો હતો કે અગાઉ જ્યારે હેબિયસ કોર્પસ અરજી થઈ હતી ત્યારે પરિવારના અતિશય દબાણને કારણે તેણે પતિ સાથે જવાનો ઇનકાર કરીને પરિવાર સાથે રહેવું પડ્યું હતું. કિંજલ અને તેના પતિ અશોક તરફથી વકીલે રજૂઆત કરી હતી કે બંનેને જીવનું ગંભીર જોખમ છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અપહરણની એફઆઈઆર (FIR) પર આગળની તમામ કાર્યવાહી સામે સ્ટે આપી દીધો છે. આ સાથે જ હાઇકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે બંને અરજદારોના જીવન અને સલામતીની રક્ષા માટે અમદાવાદ પોલીસ કમિશનરને જરૂરી પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવા તાકીદ કરે. કોર્ટે આ મામલે ફરિયાદી મુકેશ દેસાઈ તેમજ પોલીસ સહિતના પક્ષકારોને ફોર્મલ નોટિસ જારી કરી છે.
ઉલ્લેખનીય છે કે 6 સપ્ટેમ્બરે મુકેશ દેસાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને અજાણ્યા શખ્સો કિંજલનું અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતાં કિંજલ જાતે જ રાજીખુશીથી કારમાં બેસતી જોવા મળી હતી અને ત્યાર બાદ સોશિયલ મીડિયા પર વીડિયો જારી કરીને તેણે પ્રેમલગ્ન કર્યા હોવાની તથા સ્વેચ્છાએ પતિ સાથે ગયા હોવાની કબૂલાત કરી હતી.
કિંજલ રબારી કેસ: અપહરણ ફરિયાદ પર સ્ટે
સિંગર કિંજલ રબારીએ ગુજરાત હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી હાજર થઈ જણાવ્યું કે તેનું અપહરણ નથી થયું અને તે પોતાની મરજીથી પતિ અશોક ચૌધરી સાથે રહે છે. અદાલતે મુકેશ દેસાઈ દ્વારા ચાંદખેડા પોલીસમાં નોંધાવેલી અપહરણની FIR પર સ્ટે આપ્યો છે અને બંનેને જીવનું જોખમ હોવાથી અમદાવાદ પોલીસ કમિશનરને દંપતીને સુરક્ષા આપવા આદેશ કર્યો છે.