ડિજિટલ કરન્સીમાં રોકાણના નામે ₹61.73 લાખની છેતરપિંડી: બે વર્ષમાં ₹2 કરોડની લાલચ આપી ઠગાઈ
-
આરોપી દિલીપ ચૌધરી અને લલીત પ્રજાપતિએ કપુરાઈ ચોકડી ખાતે મીટિંગ કરી રોકાણની જાળ બિછાવી
-
સોના-ચાંદી અને કાગળની નોટો બાદ હવે ડિજિટલ યુગ હોવાની મોટી વાતો કરી ભોગ બનનારને ફસાવ્યો
-
મે થી ડિસેમ્બર સુધીમાં ₹65 લાખ રોકવાનો ટાર્ગેટ પૂરો કરાવ્યા બાદ વધુ 10% રકમની માગણી કરી
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરા શહેરમાં ડિજિટલ કરન્સીમાં નાણાં રોકી ટૂંકા ગાળામાં અધધ નફો કમાવવાની લાલચ આપી એક નાગરિક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી દિલીપ ચૌધરી તથા લલીત પ્રજાપતિ નામના બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ભોગ બનનાર પાસેથી કુલ રૂ. 65.43 લાખ પડાવી લીધા બાદ માત્ર નજીવી રકમ પરત આપી બાકીના રૂ. 61.73 લાખ ઓળવી જઈ વિશ્વાસઘાત આચર્યો છે.
આરોપીઓએ ફરિયાદી સાથે ટેલિફોનિક સંપર્ક કર્યા બાદ વડોદરાની કપુરાઈ ચોકડી ખાતે રૂબરૂ મુલાકાત યોજી હતી. આ દરમિયાન આરોપીઓએ રોકાણ સંબંધી મોટી-મોટી વાતો કરી ભોગ બનનારને જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં સોના-ચાંદીના સિક્કા ચલણ તરીકે વપરાતા હતા, ત્યારબાદ કાગળની કરન્સી આવી અને હવે ડિજિટલ કરન્સીનો યુગ શરૂ થયો છે. કરન્સી ક્યારેય બંધ થતી નથી અને તેઓ ભવિષ્યની આવી કરન્સીમાં નાણાં રોકે છે, જેમાં 10 ગણું ઊંચું વળતર મળે છે અને તેમાંથી તેઓ રોકાણકારોને સીધું ત્રણ ગણું વળતર આપે છે.
આરોપીઓએ ફરિયાદીને પોતાની આકર્ષક સ્કીમની જાળમાં ફસાવતાં જણાવ્યું હતું કે, જો તેઓ મે થી ડિસેમ્બર મહિના દરમિયાન કુલ રૂ. 65 લાખ રોકવાનો ટાર્ગેટ પૂરો કરશે તો બે વર્ષના અંતે તેમને રૂ. 2 કરોડ મળશે. ફરિયાદી આવી લોભામણી લાલચમાં આવી જઈ આરોપીઓના અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 65.43 લાખની રકમ જમા કરાવી દીધી હતી.
જોકે, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જ્યારે ફરિયાદીએ પોતાના મૂળ નાણાં અને નફાની માગણી કરી ત્યારે આરોપીઓએ ગોળ-ગોળ વાતો કરી વધુ 10 ટકા રકમ જમા કરાવવાનું દબાણ શરૂ કર્યું હતું. અંતે ભોગ બનનારે પોલીસ અરજી કરવાની ચીમકી આપતાં આરોપીઓએ માત્ર રૂ. 3.70 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકી રહેલી રૂ. 61.73 લાખની રકમ પરત આપવાને બદલે “જે થાય તે કરી લો” કહી હાથ ઊંચા કરી દીધા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનારે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ તેજ કરી છે.
ડિજિટલ કરન્સીના નામે ₹61.73 લાખની છેતરપિંડી
વડોદરામાં બે વર્ષમાં ₹65 લાખ સામે ₹2 કરોડ આપવાની લોભામણી લાલચ આપી બે શખ્સોએ નાગરિક સાથે ઠગાઈ કરી છે. આરોપી દિલીપ ચૌધરી અને લલીત પ્રજાપતિએ ડિજિટલ કરન્સીમાં 3 ગણા નફાની વાત કરી ₹65.43 લાખ પડાવી લીધા હતા. બાદમાં માત્ર ₹3.70 લાખ ચૂકવી બાકીના ₹61.73 લાખ આપવાનો ઇનકાર કરી દેતાં બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.