મૂળીમાં કોંગ્રેસ યુવા નેતા પર છરીથી હુમલો: કાર આંતરી ચાવી કાઢી ₹13 હજારની લૂંટ ચલાવી
-
ગેસ કનેક્શન મુદ્દે થયેલી જૂની બોલાચાલીની અદાવત રાખી ગઢાદ ગામ નજીક કાર રોકી હુમલો કર્યો
-
શિવરાજસિંહે છરી વડે વાર કરતાં યશપાલસિંહે છરી પકડતાં ડાબા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી
-
હુમલાખોરો કારમાંથી રોકડા ₹13,000 ની લૂંટ ચલાવી કારની ચાવી લઈને ઘટનાસ્થળેથી ફરાર
સિટી ન્યુઝ @ મૂળી (સુરેન્દ્રનગર)
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામે કોંગ્રેસના યુવા આગેવાન અને વગડિયા ગેસ એજન્સીના સંચાલક યશપાલસિંહ દિલીપસિંહ પરમાર પર જૂની અદાવતમાં જીવલેણ છરી વડે હુમલો કરી રોકડની લૂંટ ચલાવવાની ગંભીર ઘટના સામે આવી છે. આરોપીઓએ રસ્તામાં કાર આડી નાખી તેમને આંતરી લીધા બાદ હુમલો કર્યો હતો અને કારમાંથી રોકડા ₹13,000 ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ મામલે મૂળી પોલીસે નામજોગ અને એક અજાણ્યા શખ્સ સામે કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર, આશરે એકાદ અઠવાડિયા પૂર્વે યશપાલસિંહને ગામના જ શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમાર સાથે ગેસ કનેક્શન બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખીને તા. 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે જ્યારે યશપાલસિંહ મૂળી ખાતે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા, ત્યારે શિવરાજસિંહે ત્યાં આવી ગાળાગાળી કરી, ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યશપાલસિંહ પોતાની કાર લઈને પરત ગઢાદ ફરી રહ્યા હતા ત્યારે ગઢાદ ગામમાં જોધાભાઈ રબારીના ઘર પાસે શિવરાજસિંહ અને અન્ય એક અજાણ્યા શખ્સે પોતાની આઈ-20 કાર આડી નાખી તેમની ગાડી અટકાવી દીધી હતી.
હુમલાખોરોએ તુરંત યશપાલસિંહની કારની ચાવી કાઢી લીધી હતી અને શિવરાજસિંહે છરી વડે સીધો હુમલો કર્યો હતો. યશપાલસિંહે સ્વબચાવમાં છરી પકડી લેતાં તેમના ડાબા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઝપાઝપી દરમિયાન આરોપીઓ કારમાં રાખેલા રોકડા ₹13,000 ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત યશપાલસિંહને તાત્કાલિક મૂળી સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર મેળવ્યા બાદ મૂળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે શિવરાજસિંહ પરમાર અને તેના અજાણ્યા સાગરીત વિરુદ્ધ લૂંટ અને હુમલાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
મૂળીમાં કોંગ્રેસ યુવા નેતા પર હુમલો અને લૂંટ
મૂળીના ગઢાદ ગામે ગેસ એજન્સી સંચાલક અને કોંગ્રેસ યુવા નેતા યશપાલસિંહ પરમારને કાર આડી નાખી આંતરી શિવરાજસિંહ અને તેના સાગરીતે છરી વડે હુમલો કર્યો હતો. આરોપીઓ કારમાંથી રોકડા ₹13,000 લૂંટી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યશપાલસિંહને સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.