Loading Please Wait !!!
લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્નનો વિવાદ: સાસરીમાં પરિવાર અને સમાજના આગેવાનો ઉમટતા પોલીસ દોડતી થઈ

 

  • ભાઈની સોશિયલ મીડિયા પોસ્ટથી મામલો ગરમાયો; અડાલજ પોલીસ સ્ટેશનમાં કાજલે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની ખાતરી આપી

  •  ‘મળ્યાં માના આશીર્વાદ’ ફેમ સિંગરના લવ મેરેજથી વિવાદ; ગોઢવા ગામના મહેરિયા પરિવારે સમાજ પાસે માંગી મદદ

  •  પરિવારને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કર્યાનો ભાઈનો આક્ષેપ; પોલીસે બંને પક્ષોને સાંભળી મામલો થાળે પાડ્યો

    ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફને બદલે પર્સનલ લાઈફના હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચામાં છે. કાજલે પરિવારની જાણ બહાર પ્રેમલગ્ન કરી લેતા તેનો ભાઈ સંદીપ મહેરિયા અને મહેરિયા સમાજના આગેવાનો વિરોધમાં ઉતર્યા છે. રવિવારે આ મામલો ત્યારે વધુ વકર્યો જ્યારે કાજલના પરિવારજનો અને સમાજના આશરે 70 જેટલા લોકો ગાંધીનગરના શેરથા ગામે કાજલની સાસરીમાં પહોંચ્યા હતા.

    પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો સમાજના લોકોનો મોટો કાફલો જોઈને કાજલના પતિએ ગભરાઈને '112' પર ફોન કરી પોલીસની મદદ માંગી હતી. અડાલજ પોલીસ તાત્કાલિક શેરથા દોડી ગઈ હતી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. અહીં કાજલના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે સિંગરે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય લીધો છે, જે સામાજિક મર્યાદાનો ભંગ છે. બીજી તરફ, કાજલે પોલીસ સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે તેણે લગ્ન કરી લીધા છે અને તે ટૂંક સમયમાં મેરેજ સર્ટિફિકેટ રજૂ કરશે.

    કોણ છે કાજલ મહેરિયા? વિસનગરના ગોઠવા ગામની વતની 31 વર્ષીય કાજલ મહેરિયા ઉત્તર ગુજરાતની લોકપ્રિય સિંગર છે. 'મળ્યાં માના આશીર્વાદ' ગીતથી તે ઘર-ઘરમાં ફેમસ થઈ હતી. તેના ભજન, લોકગીતો અને લગ્નગીતોના લાખો ચાહકો છે. જોકે, તેના આ અંગત નિર્ણયને કારણે હવે મહેરિયા સમાજ અને પરિવાર તેની વિરુદ્ધ જોવા મળી રહ્યા છે.

    અડાલજ પોલીસ મથકના પીઆઈ એસ.જી. દેસાઈએ જણાવ્યું કે, "પરિવારની રજૂઆત હતી કે કાજલે લગ્ન કર્યા છે કે નહીં તેની જાણ કરી નથી. કાજલે લગ્નનું સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે. હાલ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી અને બંને પક્ષો રવાના થઈ ગયા છે."