Loading Please Wait !!!
અમદાવાદમાં માતૃત્વ લજવાયું! ટાંકીમાં પડેલી અઢી મહિનાની દીકરીને બચાવવાને બદલે માતાએ ઉપર ઢાંકણું ફિટ કરી દીધું

  • પાપ છુપાવવા ઉપર તગારું પણ મૂક્યું - પતિની ફરિયાદ બાદ અમરાઈવાડી પોલીસે નિર્દંય માતાની કરી ધરપકડ
  • "મારાથી ભૂલ થઈ ગઈ", રડતા-રડતા માતાએ કબૂલ્યો ગુનો, પત્ની સામે જ પતિએ નોંધાવી હત્યાની ફરિયાદ
  • બાગે ફિરદોસ વિસ્તારની ઘટનાથી અરેરાટી - સાપરાધ મનુષ્ય વધના ગુનામાં મોનિકા મકવાણા જેલભેગી

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે સાંભળીને કોઈપણ પથ્થર દિલના માણસનું કાળજું પણ કંપી ઉઠે. એક માતાએ પોતાની ભૂલ છુપાવવા માટે અઢી મહિનાની નિર્દોષ દીકરીનો જીવ લઈ લીધો. પાડોશીઓ અને પરિવારના ડરથી માતાએ ટાંકીમાં પડેલી દીકરીને બહાર કાઢવાને બદલે તેના પર ઢાંકણું બંધ કરી ઉપર તગારું મૂકી દીધું હતું. આ મામલે પતિની ફરિયાદના આધારે પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી છે.

શું હતી સમગ્ર ઘટના? અમરાઈવાડીમાં પોલીસ લાઈન સામે રહેતા દિપક મકવાણા લેથ મશીનના કારખાનામાં નોકરી કરે છે. ગતરોજ તેઓ ગેસનો બાટલો બુક કરાવવા માટે લાઈનમાં ઉભા હતા ત્યારે પડોશીનો ફોન આવ્યો કે ઘરે કંઈક અજૂગતું બન્યું છે. દિપક દોડતા ઘરે પહોંચ્યા ત્યારે પડોશીઓ બાળકીને બચાવવા મથતા હતા. બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

માતાની કબૂલાત: "આરોપ ન આવે એટલે ઢાંકણું બંધ કર્યું" દીકરીના મોત બાદ જ્યારે દિપકે પત્ની મોનિકાને કડકાઈથી પૂછ્યું, ત્યારે તેણીએ રડતા-રડતા ચોંકાવનારી કબૂલાત કરી હતી. મોનિકાએ જણાવ્યું કે તે ઉપરના માળે મોટરની સ્વીચ પાડવા ગઈ ત્યારે દીકરી તેની પાસે હતી. અચાનક પગ લપસતા બાળકી તેના હાથમાંથી છટકીને સીધી પાણીની ટાંકીમાં પડી હતી. મોનિકાએ તેને કાઢવાને બદલે વિચાર્યું કે જો લોકોને ખબર પડશે તો તેના પર આક્ષેપ આવશે. આ ડરથી તેણે ડૂબતી દીકરીને બહાર કાઢવાને બદલે ટાંકીનું ઢાંકણું બંધ કરી તેના પર તગારું મૂકી દીધું હતું.

પતિએ પત્નીને માફ ન કરી, પોલીસને સોંપી પોતાની જ પત્નીની આ નિર્દયતા જોઈને પતિ દિપક સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે પોતાની પત્ની મોનિકા વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ મથકે બદઈરાદે હત્યા અને સાપરાધ મનુષ્ય વધની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરીને મોનિકાની ધરપકડ કરી છે. જે જનેતાએ દીકરીને નવ મહિના કુખમાં રાખી, તેણે જ પોતાની ભૂલ છુપાવવા માસૂમને મોતના મુખમાં ધકેલી દીધી હોવાથી સમગ્ર વિસ્તારમાં ફિટકાર વરસી રહ્યો છે.