ચૂંટણી પંચના કામકાજમાં પારદર્શિતા વધારવા મહત્ત્વના ફેરફાર!
- બેઠકોનો એજન્ડા અને મિનિટ્સ હવે અગાઉથી જાહેર થશે!
- અધિકારીઓની વિદેશયાત્રા માટે પૂર્વમંજૂરી લેવી હવે ફરજિયાત!
- એસઆર (SIR) ના ઓનલાઈન ફોર્મમાંથી ડિક્લેરેશન અલગ કરાયું!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા પોતાના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે હવે પંચની બેઠકોનો એજન્ડા તેમજ ચર્ચા અને નિર્ણયોની વિગતો પણ જાહેર કરવામાં આવશે.
નવા નિયમો અનુસાર ચૂંટણી પંચમાં ફરજ બજાવતા અધિકારીઓએ હવે વિદેશ પ્રવાસે જતાં પહેલાં પંચની પૂર્વમંજૂરી લેવી પડશે, તેમજ કોઈપણ નવું આઈટી મોડ્યુલ સીધું રજૂ કરવાને બદલે પહેલાં અધિકારીઓની કમિટીની તપાસ અને મંજૂરીમાંથી પસાર કરવું પડશે.
ચૂંટણી પંચે મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના નિયમોમાં પણ બદલાવ કરીને ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા મતદારો માટેના ઓનલાઈન ફોર્મ-૬ માંથી વધારાનું ડિક્લેરેશન અલગ કરી દીધું છે.
મતદાર નોંધણીની પ્રક્રિયાને વધુ સરળ બનાવીને નવા મતદારોને પડતી મુશ્કેલીઓ ઘટાડવાના હેતુથી આ ડિક્લેરેશન માટે હવે અલગથી ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે, જેથી ઓનલાઈન ફોર્મ ભરવું વધુ સરળ બનશે.
ગ ગત ૨૬ સપ્ટેમ્બરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશીની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ તમામ નિર્ણયો સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા.
ચૂંટણી તંત્રમાં પારદર્શિતા અને વહીવટી સુધારાઓનું મહત્વ
લોકશાહીના સૌથી મોટા સંચાલક તરીકે ચૂંટણી પંચની નિષ્પક્ષતા, પારદર્શિતા અને જવાબદારી દેશના કરોડો નાગરિકોના વિશ્વાસ માટે પાયાની શરત સમાન હોય છે. જ્યારે સંસ્થાકીય સ્તરે એજન્ડા અને મિનિટ્સ જાહેરમાં મૂકવા જેવા નિર્ણયો લેવાય છે, ત્યારે તે વહીવટી પ્રક્રિયામાં શુદ્ધતા લાવવાની સાથે-સાથે લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવામાં અત્યંત મોટો ફાળો આપતા હોય છે.