પાલીતાણામાં યુવકની હત્યા કરનાર પાંચ શખસોને આજીવન કેદ!
- પૈસાની લેતી-દેતીની અદાવતમાં યુવકને ઝીંક્યા છરીના ઘા!
- ભાવનગરની સેસન્સ કોર્ટે ફટકારી કસૂરવારોને સજા!
- સારવાર દરમિયાન યુવકનું મોત થતા હત્યામાં પલટાયો કેસ!
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આજથી સવા બે વર્ષ અગાઉ પૈસાની લેતી-દેતીની અદાવત રાખીને એક યુવક પર છરી વડે ઘાતક હુમલો કરી કરપીણ હત્યા કરવાના ચર્ચિત કેસમાં ન્યાયાલય દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ, ૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ રાત્રિના સમયે પાલીતાણામાં સદવિચાર હોસ્પિટલ પાસે ક્રિકેટ બોક્સ તરફ જવાના માર્ગ પર ઉભેલા અફજલભાઈ દિનુભાઈ સમા પર આરોપીઓએ જૂનીદુશ્મની રાખીને તૂટી પડ્યા હતા.
ઝઘડા દરમિયાન સિંકદરે યુવકને પકડી રાખ્યો હતો અને સિરાજે છાતી તથા હાથના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, જ્યારે અન્ય આરોપીઓએ ધોકા અને ધારીયા સાથે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ગંભીર રીતે ઘાયલ થયેલા અફજલભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતાં પાલીતાણા ટાઉન પોલીસે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
ભાવનગરની ત્રીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ તેમજ સેસન્સ કોર્ટમાં ચાલેલા આ કેસમાં સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયમૂર્તિએ પાંચેય આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.
અદાલતી પ્રક્રિયા અને ગુનાખોરી સામે ન્યાયિક કડકાઈ
સમાજમાં જ્યારે ટૂંકી અદાવત કે પૈસાની લેતી-દેતી જેવી બાબતોમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય છે, ત્યારે તે માનવતા પર મોટો કલંક સાબિત થાય છે. આવા જઘન્ય અપરાધોમાં કાનૂની પ્રક્રિયાના માધ્યમથી ત્વરિત અને સચોટ પુરાવાઓ રજૂ કરીને દોષિતોને આજીવન કેદ જેવી કઠોર સજા અપાવવી એ માત્ર પીડિત પરિવારને ન્યાય આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો કરવા માટે પણ અત્યંત અનિવાર્ય છે.