Loading Please Wait !!!
જંતર મંતર આંદોલન મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણી!

  • કોઈપણ સ્થળ પર કાયમી કબ્જો કરી શકાય નહીં!
  • વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે પણ કબજો નહીં!
  • વ્યાપારી સંગઠનોએ ધંધા-રોજગારને નુકસાનની કરી ફરિયાદ!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

દિલ્હીમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ દરમિયાન જંતર મંતર સહિતના વિવિધ સ્થળોએ થયેલા આંદોલનો અને દેખાવોના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જ્યાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ ટકોર કરી હતી કે આંદોલનકારીઓ કોઈપણ સાર્વજનિક સ્થળ પર કાયમી કબજો જમાવી શકે નહીં.

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતના વડપણ હેઠળની ખંડપીઠ સમક્ષ ચાલી રહેલી આ સુનાવણી દરમિયાન અદાલતે નોંધ્યું હતું કે વિરોધ પ્રદર્શન કરવાનો દરેક નાગરિકને અધિકાર છે, પરંતુ અન્ય દેખાવકારો અને સામાન્ય જનતાના હિતોનું પણ ધ્યાન રાખવું અનિવાર્ય છે.

આ કેસમાં વ્યાપારી સંગઠનો દ્વારા પણ અરજી દાખલ કરીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ પ્રકારના સતત આંદોલનો અને વિરોધ પ્રદર્શનોને કારણે વિસ્તારના વેપાર-ધંધાને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને હજારો દુકાનો બંધ રાખવાની ફરજ પડે છે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે જે કોઈ વ્યક્તિ કે સમૂહ આંદોલન કે વિરોધ પ્રદર્શન કરતા હોય, તેઓએ તેનાથી થનારા પરિણામોની નૈતિક અને કાનૂની જવાબદારી સ્વીકારવી જોઈએ.

કોર્ટની કાર્યવાહી દરમિયાન કેટલાક વકીલો દ્વારા કરવામાં આવેલા હોબાળો અને દલીલો પર નારાજગી વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતે તેમને કડક શબ્દોમાં ટપાર્યા હતા અને ચેતવણી આપી હતી કે કોર્ટરૂમ કોઈ 'મચ્છી બજાર' નથી.

અધિકારો અને સાર્વજનિક વ્યવસ્થા વચ્ચેનું સંતુલન

લોકશાહી દેશમાં સરકાર કે નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરવો અને અવાજ ઉઠાવવો એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, પરંતુ આ અધિકારના ઉપયોગ સાથે જ અન્ય નાગરિકોના હકો, વ્યાપાર-રોજગાર અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જ્યારે આંદોલનોને કારણે સાર્વજનિક માર્ગો કે સ્થળો પર કાયમી અવરોધો ઊભા થાય છે અથવા સામાન્ય જનજીવન અને વેપાર ગંભીર રીતે પ્રભાવિત થાય છે, ત્યારે ન્યાયતંત્ર દ્વારા યોગ્ય માર્ગદર્શિકા અને સંતુલિત અભિગમ અપનાવવો એ રાષ્ટ્રના હિત માટે અત્યંત આવશ્યક સાબિત થાય છે.