Loading Please Wait !!!
કચ્છના અગરિયા પરિવારો માટે સોલાર આવાસ યોજના!

  • સરકાર દ્વારા અગરિયાઓના ઉત્થાન માટે વિશેષ પહેલ!
  • કઠોર પરિશ્રમ કરતા અગરિયાઓને મળશે આધુનિક સુવિધાઓ!
  • સોલ્ટ એસોસિએશને રણમાં પાણીની પાઇપલાઇન માંગ કરી!

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર 

ગુજરાત સરકાર દ્વારા કચ્છના નાના રણમાં મીઠું પકવતા ૨,૫૦0 અગરિયા પરિવારો માટે ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે સોલાર પેનલ અને પાણીના ટાંકા સાથેના વિશિષ્ટ ફોલ્ડિંગ આવાસ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલી બનનારી આ યોજનાનો લાભ મેળવવા માટે આગામી દિવસોમાં અગરિયા ઓળખ કાર્ડ ધરાવતા પરિવારો પાસેથી આવેદન ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

અગરિયા સમુદાયના પરિવારો દર વર્ષે ઓક્ટોબરથી મે મહિના સુધીના આશરે ૮ મહિના કડકડતી ઠંડી અને ભીષણ ગરમી વચ્ચે કચ્છના નાના રણમાં વસીને દેશના કુલ ઉત્પાદનનો મોટો હિસ્સો એટલે કે લાખો ટન મીઠું પકવે છે.

રણ વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે અત્યાર સુધી અગરિયાઓએ કંતાનનાં ઝૂંપડાંમાં રહેવું પડતું હતું, પરંતુ હવે સોલાર પેનલ ધરાવતા ફોલ્ડિંગ આવાસ મળવાથી તેમને આકરી ઋતુઓમાં મોટી રાહત મળશે.

બીજી બાજુ, ખારાઘોડા સોલ્ટ એસોસિએશને આ યોજનાને આવકારીને રણમાં પીવાના પાણીની કાયમી પાઇપલાઇન નાખવાની માંગ કરી છે, જેથી અગરિયાઓ ઉપરાંત દુર્લભ ઘુડખર પ્રાણીઓને પણ શુદ્ધ પાણી મળી શકે.

બોક્સ મેટર:

અગરિયાઓની કઠોર મહેનત અને કલ્યાણકારી યોજનાઓનું મહત્વ

દેશની આર્થિક અને ખાઘ સુરક્ષામાં યોગદાન આપતા શ્રમિકો અને અગરિયાઓનું જીવન અતિશય મુશ્કેલીઓ અને સંઘર્ષોથી ભરેલું હોય છે. રણના તાપ અને કપરી પરિસ્થિતિમાં વર્ષો સુધી પાયાની સગવડો વિના જીવન વિતાવતા આ પરિવારો માટે સરકાર દ્વારા અપાતા સોલાર આવાસ અને આધુનિક સુવિધાઓ માત્ર આશ્રય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે માનવીય અભિગમ અને સામાજિક ન્યાયનું ઉત્તમ પ્રતીક સાબિત થાય છે.