Loading Please Wait !!!
દવાઓની ગુણવતા સુનિશ્ચિત કરવા ડ્રગ્સ રૂલ્સમાં સંશોધન!

  • બજારમાં દવા મોકલતા પહેલા મંજૂરી લેવી પડશે!
  • બેચ રિલીઝ સર્ટીફીકેટ અને રેકોર્ડ રાખવું ફરજિયાત!
  • દવા આયાત માટે નવા એન્ટ્રી પોઈન્ટ બનાવાશે!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

દવાઓની ગુણવતા ચોક્કસ કરવા અને નિર્માતા કંપનીઓની જવાબદારી નક્કી કરવાના હેતુથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫ માં મહત્વના સંશોધનોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ નવા પ્રસ્તાવ અનુસાર, દવા બનાવતી કંપનીઓએ બજારમાં કોઈપણ બેચ મોકલતા પહેલા યોગ્ય અને અનુભવી વ્યક્તિ પાસેથી ઔપચારિક રૂપે મંજૂરી લેવી પડશે અને જવાબદાર અધિકારીનું પૂરું વિવરણ આપવું અનિવાર્ય રહેશે.

દવા બજારમાં મૂકતા પહેલા તેના ગુણવત્તાના ધોરણો, પરીક્ષણ રિપોર્ટ અને દસ્તાવેજોની સમીક્ષા કરવાની પ્રક્રિયાને 'બેચ રિલીઝ' કહેવામાં આવે છે, અને હવે પ્રસ્તાવથી સ્પષ્ટ થશે કે મંજૂરી કયા અધિકારીએ આપી છે.

હાલમાં મંત્રાલય દ્વારા આ અંગે માત્ર મુસદ્દો તૈયાર કરીને લોકો અને સંબંધિત પક્ષો પાસેથી વાંધા તથા સૂચનો મંગાવવામાં આવ્યા છે, જેના આધારે નિયમોમાં ફેરફારને આખરી રૂપ આપવામાં આવશે.

આ ઉપરાંત, દેશમાં વિદેશથી આવતી દવાઓ, મેડિકલ ઉપકરણો અને કોસ્મેટિક ઉત્પાદનોની આયાત સરળ બનાવવા માટે હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, તેલંગાણા અને કર્ણાટકમાં નવા ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) જેવા એન્ટ્રી પોઈન્ટ્સ મંજૂર કરવાની તૈયારી છે.

દવાઓની ગુણવત્તા અને પારદર્શક નિયમનનું મહત્વ

આરોગ્ય અને ચિકિત્સા ક્ષેત્રે ઉપયોગમાં લેવાતી દવાઓની ગુણવત્તા સીધી જ માનવ જીવનની સુરક્ષા સાથે જોડાયેલી હોય છે. ઘણીવાર નબળી ગુણવત્તા કે અનિયમિતતાઓને કારણે દર્દીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થતી હોય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ડ્રગ્સ નિયમોમાં કરવામાં આવતા આ કડક સુધારાઓ કંપનીઓની જવાબદારી સુનિશ્ચિત કરવા અને બજારમાં માત્ર ગુણવત્તાસભર દવાઓ જ ઉપલબ્ધ થાય તે માટે એક અત્યંત આવશ્યક અને પ્રશંસનીય પગલું સાબિત થશે.