ચૂંટણીમાં 'જય સરદાર' ના નારા, પણ ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં ધૂળ ખાતી સરદાર સાહેબની પ્રતિમા!
- સુરત 'કમલમ' ની તસવીરોએ મચાવ્યો ખળભળાટ - જનરેટર અને કચરા વચ્ચે લોખંડી પુરુષની અવદશા
- અહેવાલ પ્રસિદ્ધ થતા જ હરકતમાં આવ્યું પ્રશાસન - રાતોરાત પ્રતિમાને હટાવી બીજી જગ્યાએ ખસેડાઈ
- કપડાં સૂકવવાના સ્ટેન્ડ અને ચાના ખાલી કપ વચ્ચે મુકાયા રાષ્ટ્રપુરુષ - ભાવનાત્મક મુદ્દે ઘેરાયો સત્તાધારી પક્ષ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજકીય પક્ષોમાં મતદારોને રિઝવવા માટે હોડ જામી છે. ખાસ કરીને સરદાર પટેલના નામ અને આદર્શોના સહારે પાટીદાર મતો અંકે કરવા ભાજપ સહિતના પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. જોકે, આ પ્રચાર અને આદર્શોની વાતો વચ્ચે સુરતના ઉધના સ્થિત ભાજપના 'કમલમ' કાર્યાલયમાંથી અત્યંત આઘાતજનક તસવીરો સામે આવી છે. કાર્યાલયના પાર્કિંગમાં જ્યાં વાહનો પાર્ક થાય છે અને જનરેટર મુકાયા છે, ત્યાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની બે પ્રતિમાઓ ધૂળ ખાતી અને ઉપેક્ષિત હાલતમાં જોવા મળી હતી.
વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે એક પ્રતિમા પ્લાસ્ટિકમાં લપેટેલી છે, જ્યારે બીજી પ્રતિમા ખુલ્લી હાલતમાં ભંગાર જેવી સ્થિતિમાં મુકી દેવામાં આવી છે. આસપાસ પ્લાસ્ટિકની બોટલો, ચા-પાણીના ખાલી કપ, કચરાના ખડકલા અને કપડાં સૂકવવાના સ્ટેન્ડ વચ્ચે મહાપુરુષની આ સ્થિતિ જોઈને પક્ષના નિષ્ઠાવાન કાર્યકરોમાં પણ આંતરિક રોષ જોવા મળ્યો હતો. જે પક્ષ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બનાવીને સરદાર સાહેબના સન્માનના દાવા કરે છે, તેના જ મુખ્ય કાર્યાલયમાં આવી બેદરકારી નેતાઓની કથની અને કરણી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે.
આ અંગેનો અહેવાલ મીડિયામાં વાયુવેગે ફેલાતા જ ભાજપના સ્થાનિક નેતાઓમાં દોડધામ મચી ગઈ હતી. ચૂંટણીના ટાણે આ મુદ્દો વિરોધ પક્ષો માટે હથિયાર ન બને તે ડરે રાતોરાત આ પ્રતિમાઓને પાર્કિંગમાંથી હટાવી લેવામાં આવી હતી. જે જગ્યાએ પ્રતિમાઓ ધૂળ ખાતી હતી તે જગ્યા અત્યારે સાફ કરી દેવામાં આવી છે. ભાજપ કાર્યાલયની આ 'બિફોર અને આફ્ટર' ની તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહી છે.
સ્થાનિક રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ માત્ર એક પ્રતિમાનો વિષય નથી, પરંતુ તે દર્શાવે છે કે રાજકીય પક્ષો રાષ્ટ્રપુરુષોનો ઉપયોગ માત્ર ચૂંટણી જીતવા માટે જ કરે છે. જે નેતાઓ મંચ પરથી 'જય સરદાર' ના નારા લગાવીને મત માંગે છે, તેઓ જ પોતાના કાર્યાલયમાં આ મહાનુભવોની ગરિમા જાળવવાનું ભૂલી ગયા છે. હવે જોવાનું એ રહેશે કે સુરતની જનતા અને પાટીદાર સમાજ ચૂંટણીમાં આ ઉપેક્ષાનો કેવો વળતો જવાબ આપે છે.