સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનો રૂટ બદલવા રેલવેની મંજૂરી
હવે રાજકોટ-વિરમગામને બદલે ધોળકા-બોટાદ થઈને દોડશે ટ્રેન, મુસાફરો માટે મોટા સમાચાર
વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર ખાતેના કોમર્શિયલ સ્ટોપેજ કાયમી ધોરણે દૂર કરવાનો રેલવે બોર્ડનો નિર્ણય
ગાંધીગ્રામ, ધંધુકા, ધોળા અને ઢસા જેવા સ્ટેશનોને પ્રથમ વખત હાઈસ્પીડ ટ્રેન સેવાનો લાભ મળશે
સિટી ન્યુઝ @ જુનાગઢ
ગુજરાતના રેલવે મુસાફરો માટે એક સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે બોર્ડ દ્વારા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 29601-02) ના રૂટમાં બહુ મોટો ફેરફાર કરવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે. 13 જૂન, 2026ના રોજ જાહેર થયેલા અહેવાલ મુજબ, આ લોકપ્રિય ટ્રેન અત્યાર સુધી વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ થઈને વેરાવળ જતી હતી. પરંતુ હવે રેલવે બોર્ડ દ્વારા આ જૂના રૂટની બાદબાકી કરીને ટ્રેનને નવા માર્ગ એટલે કે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ થઈને ચલાવવાની અંતિમ મંજૂરી આપી દેવામાં આવી છે.
રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનની નવી સમય પત્રિકા પણ જાહેર કરી દેવામાં આવી છે. નવા ટાઈમ ટેબલ મુજબ, ટ્રેન નં. 24901 સાબરમતી સ્ટેશનથી સવારે 06:00 કલાકે ઉપડશે અને બપોરે 12:50 કલાકે વેરાવળ પહોંચાડી દેશે. જ્યારે પરત ફરતી વખતે ટ્રેન નં. 29602 વેરાવળથી બપોરે 03:50 કલાકે ઉપડશે અને રાત્રે 10:25 કલાકે સાબરમતી સ્ટેશને પરત લાવશે. આ રૂટ બદલાવાના કારણે વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ ખાતેના કોમર્શિયલ સ્ટોપેજ કાયમી ધોરણે દૂર થઈ જશે, જેના કારણે આ વિસ્તારના મુસાફરોએ હવે વંદે ભારત માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે.
બીજી તરફ, ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા અને ઢસા જેવા મધ્યમ કક્ષાના સ્ટેશનોને ઇતિહાસમાં પ્રથમ વખત સેમી-હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનની પ્રીમિયમ સેવાનો સીધો લાભ મળશે. રેલવે બોર્ડના આદેશ અનુસાર, આ નવો ફેરફાર એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) અથવા 'નો બુકિંગ' તારીખમાંથી જે પણ વહેલી હોય તે દિવસથી ત્વરિત અમલમાં મૂકવામાં આવશે. જોકે, પશ્ચિમ રેલવે દ્વારા હજી સુધી આ નવા રૂટની સત્તાવાર શરૂઆત માટેની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આગામી દિવસોમાં આ અંગે આખરી જાહેરાત થઈ શકે છે.
નવા રૂટના કારણે સૌરાષ્ટ્રના આંતરિક વિસ્તારોની કનેક્ટિવિટી વધશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં કરાયેલા ફેરફારથી બોટાદ, ધંધુકા અને ધોળકા પંથકના લોકોને મોટો ફાયદો થશે. રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા મોટા જંક્શનો આ રૂટમાંથી હટાવી લેવાતા ત્યાંના મુસાફરોમાં થોડી નારાજગી જોવા મળી છે, પરંતુ રેલવે તંત્રના આ સ્માર્ટ નિર્ણયથી સૌરાષ્ટ્રના અન્ય વિકાસશીલ વિસ્તારોને સીધી હાઇસ્પીડ કનેક્ટિવિટી મળશે.