"સુરતના ઉદ્યોગો પર 'રિવર્સ માઇગ્રેશન'નું સંકટ: રેશનકાર્ડ વગર શ્રમિકોને ગેસ સિલિન્ડર આપવા કલેક્ટરને રજૂઆત"
- ચેમ્બર ઓફ કોમર્સની મોટી માંગ - 80% મજૂરો પાસે સ્થાનિક રેશનકાર્ડ નથી, આધાર કાર્ડને બનાવો મુખ્ય આધાર
- પાયાની સુવિધા નહીં મળે તો શ્રમિકો વતન ભણી દોટ મૂકશે - હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં ફફડાટ
- પ્રમુખ નિખિલ મદ્રાસીએ ઉઠાવ્યો લાખો માઇગ્રન્ટ મજૂરોનો અવાજ - વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની અપેક્ષા
'સોનાની મુરત' ગણાતા સુરત શહેરના ઉદ્યોગો અત્યારે એક વિચિત્ર મુસીબતમાં ફસાયા છે. સુરતના હીરા અને કાપડ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન લાખો પરપ્રાંતીય શ્રમિકોને રાંધણ ગેસ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યા જો જલ્દી ઉકેલાય નહીં, તો સુરતના ઉદ્યોગો 'રિવર્સ માઇગ્રેશન' એટલે કે મજૂરોની ઘરવાપસીનો સામનો કરી શકે છે.
રેશનકાર્ડની અનિવાર્યતા બની અવરોધ સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીને પત્ર લખીને જણાવ્યું છે કે, સુરતમાં વસતા 80% જેટલા શ્રમિકો પાસે સ્થાનિક રેશનકાર્ડ નથી. ગેસ એજન્સીઓ રેશનકાર્ડ વગર નવું કનેક્શન આપતી નથી, જેના કારણે મજૂરોએ કાં તો લાકડા સળગાવવા પડે છે અથવા મોંઘા ભાવે કાળાબજારમાં ગેસ લેવો પડે છે.
આધાર કાર્ડ જ કેમ નહીં? ચેમ્બરે દલીલ કરી છે કે જ્યારે આધાર કાર્ડ સમગ્ર દેશમાં માન્ય ઓળખ પત્ર છે, ત્યારે ગેસ માટે રેશનકાર્ડનો આગ્રહ રાખવો કેટલો યોગ્ય? જો માત્ર આધાર કાર્ડના આધારે ગેસ સિલિન્ડરની ફાળવણી કરવામાં આવે, તો શ્રમિકોને મોટી રાહત મળશે અને તેઓ સુરત છોડીને વતન જવાનું ટાળશે. આ વ્યવસ્થાથી ગેસના કાળાબજાર પર પણ લગામ લાગશે.
ઉદ્યોગોનું ભાવિ જોખમમાં જો શ્રમિકોને રહેવા-ખાવાની પાયાની સુવિધાઓમાં હાલાકી પડશે, તો તેની સીધી અસર સુરતના ઉત્પાદન ક્ષમતા પર પડશે. ચેમ્બરે ચેતવણી આપી છે કે વહીવટી તંત્રએ આ મામલે ગેસ એજન્સીઓ સાથે ત્વરિત બેઠક યોજીને નિયમોમાં છૂટછાટ આપવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર તંત્ર શ્રમિકોના હિતમાં અને સુરતના ઔદ્યોગિક સ્વાસ્થ્ય માટે શું નિર્ણય લે છે.