Loading Please Wait !!!
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

 

  • કીવ અને મોસ્કોથી સાતમી ઓક્ટોબરે પ્રકાશિત અહેવાલ

  • મોસ્કોના મેયર સેરગેઇ સોબ્યાનીન દ્વારા પુષ્ટિ કરાઈ

  •  

     

    ઝેપોરિઝાઝિયા શહેરમાં ડીનીપ્રો નદી પરના બ્રિજ તૂટ્યા

સિટી ન્યુઝ @ કીવ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે દિવસેને દિવસે વધુને વધુ ઉગ્ર અને વિનાશક બની રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ યુક્રેને રશિયાની મુખ્ય ભૂમિ પર ફરી એકવાર આક્રમક વલણ અપનાવતા આશરે 900 જેટલા વિસ્ફોટક ડ્રોનનો ભારે મારો ચલાવ્યો હતો. રશિયા દ્વારા યુક્રેનના જે વિસ્તારો પર અગાઉ કબજો કરી લેવામાં આવ્યો છે, ત્યાં પણ યુક્રેનિયન દળો દ્વારા ડ્રોન હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મોટા પાયે થયેલા હુમલા દરમિયાન રશિયાની રાજધાની મોસ્કોમાં આવેલા મુખ્ય પેટ્રોલ-ડીઝલના ઇંધણ ડેપો પર ડ્રોન ત્રાટકતા ભયાનક આગ લાગી હતી, જેમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. યુક્રેન લાંબા સમયથી રશિયાના અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારો સુધી ચોક્કસ નિશાન સાધી શકે તેવા લોંગ-રેન્જ ડ્રોનનો ઉપયોગ સતત વધારી રહ્યું છે, જેણે રશિયન રક્ષણાત્મક પ્રણાલી સામે મોટા પડકારો ખડા કર્યા છે.
 
મોસ્કોના મેયર સેરગેઇ સોબ્યાનીને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે યુક્રેને સોમવારથી મંગળવાર વચ્ચેના સમયગાળામાં મોસ્કો પ્રાંતને નિશાન બનાવીને અંદાજે 650 થી વધુ ડ્રોન છોડ્યા હતા. જોકે રશિયન સૈન્ય અને એર ડિફેન્સ સિસ્ટમે દાવો કર્યો હતો કે મોટાભાગના ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક ડ્રોન ચોક્કસ સ્થાનો સુધી પહોંચીને ઇંધણના ડેપોને નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા હતા.
 
યુક્રેન આશરે રશિયાની ઓઇલ રિફાઇનરીઓની 51 ટકા જેટલી ક્ષમતાને નિષ્ક્રિય કરી દીધાનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ રશિયા પણ યુક્રેનના મહત્વપૂર્ણ માળખાકીય સ્થાનો અને બ્રિજોને સતત નિશાન બનાવી રહ્યું છે. અગાઉ કીવમાં અનેક બ્રિજ તોડી પાડ્યા બાદ હવે રશિયાએ ઝેપોરિઝાઝિયા શહેરમાં ડીનીપ્રો નદી પર આવેલા મુખ્ય બ્રિજો પર ભારે તોપમારો કર્યો છે, જેના કારણે અનેક બ્રિજ તૂટી પડતાં ભારે ટ્રાફિક જામ અને અવ્યવસ્થા સર્જાઈ છે.
 

રાત્રિના સમયે કરાયેલા આ આડેધડ હુમલાઓમાં સામાન્ય નાગરિકોની રહેણાંક ઇમારતો પણ સીધા નિશાના પર આવી ગઈ હતી, જેમાં પાંચ નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત યુક્રેનના દરિયાઈ પોર્ટ્સ અને શિપિંગ પ્રવૃત્તિઓને અટકાવવા માટે રશિયા દ્વારા માર્શલ આઇલેન્ડના એક કાર્ગો શિપ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જે વૈશ્વિક વેપાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

 

યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા

બે દેશો વચ્ચેના લશ્કરી સંઘર્ષમાં જ્યારે નાગરિકો અને વ્યાપારી માળખાને નિશાન બનાવાય છે, ત્યારે માનવતા સામે ગંભીર જોખમ ઊભું થાય છે.